ગુજરાત
News of Wednesday, 17th February 2021

કાલોલ પંથકમાં રેત ખનન માફિયાઓ બેફામ : ટ્રેક્ટરથી સ્ટન્ટ કરી તંત્રને ફેક્યો ખુલ્લો પડકાર

બે નંબરના ધંધા કરવા પડે તેવુ ગીત મુક્યુ કિંગ ઓફ સઘનપુરા લખી સોશિયલ મીડિયા પર વિડિઓ વહેતો કર્યો

પંચમહાલના કાલોલ પંથકમાં રેત ખનન માફિયાનો આતંક જોવા મળી રહ્યો છે. રેતી ખનન માફિયાઓનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે તે સામે ચાલીને તંત્રને પડકાર ફેકી રહ્યા છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને પગલે કાલોલ પંથકમાં રેત ખનન માફિયાઓ ખુલ્લેઆમ ખનન કરી રહ્યા છે.

કાલોલ પંથકમાં આવેલી ગોમા નદી રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ માટે દૂઝણી ગાય સમાન બની ગઇ છે. કાલોલ તથા આસપાસના ગામોમાં બેફામ રેતી અને માટીનું ખનન થઇ રહ્યુ છે. આટલુ જ નહી ખનન માફિયાઓ તેમની ગેરકાયદેસર પ્રવૃતિઓને મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી તંત્રને પડકાર ફેકી રહ્યા છે. તાજેતરમાં જ કાલોલ તાલુકાના સઘનપુરા ગામના ખનન માફિયા દ્વારા રેતી ભરેલ ટ્રેક્ટર દ્વારા સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો. આ વીડિયોમાં સપના પુરા કરવા માટે બે નંબરના ધંધા કરવા પડે તેવુ ગીત મુક્યુ હતુ અને સાથે જ કિંગ ઓફ સઘનપુરા લખી સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો

અન્ય એક વીડિયોમાં ટ્રેક્ટરનું બોનેટ (આગળનો ભાગ) ઉંચુ રાખી ટ્રેક્ટર ચાલુ રાખી નદીમાંથી રેતી ભરતા રેત ખનન માફિયાનો વીડિયો વાયરલ થયો હતો. રેત ખનન માફિયાઓ દ્વારા જાણે ખુલ્લેઆમ વીડિયો દ્વારા ઓળખ છતી કરી હોવા છતા તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં ના આવતા સવાલ ઉભા થઇ રહ્યા છે.

(10:16 pm IST)