ગુજરાત
News of Wednesday, 17th February 2021

ગુજરાત બાર કાઉન્સિલનો મોટો નિર્ણંય : 4755 ધારાશાસ્ત્રીઓને વેલફેર ફંડના સભ્યપદેથી હટાવ્યા

વારંવાર વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી જવા માટે તાકીદ કરવા છતાં ભરવામાં નિષ્ફળ રહેતા દૂર કરાયા : આ તમામ ધારાશાસ્ત્રીઓના વારસદારો મૃત્યુસહાય મેળવવા હક્કદાર રહેશે નહીં.

ગાંધીનગર: વારંવાર વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી જવા માટે તાકીદ કરવા છતાં ભરવામાં નિષ્ફળ રહેલાં 4755 ધારાશાસ્ત્રીઓને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો હતો. તેને તાજેતરમાં મળેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણ સભાએ બહાલી આપી છે. આ નિર્ણયથી હવે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના આ તમામ ધારાશાસ્ત્રીઓના વારસદારો મૃત્યુસહાય મેળવવા હક્કદાર રહેશે નહીં. અને જો આ સભ્યોએ મૃત્યુ સહાય મેળવવા નવેસરથી વેલ્ફેર ફંડ સ્ક્રીમના સભ્ય બનવું પડશે

ગુજરાત બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલા 92,000 ધારાશાસ્ત્રીઓ છે. તે પૈકી 42,000 જેટલાં ધારાશાસ્ત્રીઓ વેલ્ફેર ફંડના સભ્ય બન્યા હતા. તે પૈકી વેલ્ફેર ફંડના 13,070 ધારાશાસ્ત્રીઓએ સને 2008થી 2013ની વેલ્ફેર ફંડની પાંચ વર્ષના ગાળા માટેની રિન્યુઅલ ફી ભરેલી ન હતી. જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ 1991 હેઠળ 13,070 જેટલાં ધારાશાસ્ત્રીઓને રિન્યુઅલ ફી ન ભરતાં શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી.

જેમાંથી 8206 જેટલાં ધારાશાસ્ત્રીઓએ ફી ભરી હતી. તેમ છતાં બાકીના 4864 જેટલાં ધારાશાસ્ત્રીઓએ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ન ભરતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તા.1/1/21ના રોજ કલમ 16 –એ હેઠળ જાહેર નોટીસ આપીને 30 દિવસમાં યોગ્ય કારણોસર ગુજરાત બાર કાઉન્સિલના સેક્રેટરીને મળીને વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફીની રકમ જમા કરાવવા આદેશ કર્યો છે

પરંતુ માત્ર 109 જેટલા સભ્ય ધારાશાસ્ત્રીઓએ પહેલાં અને બીજા ગાળાની રિન્યુઅલ ફી ભરી હતી. અને બાકીની રિન્યુઅલ ફી ભરેલી નહીં. જેથી વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી નહીં ભરેલી 4755 ધારાશાસ્ત્રીઓને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો

ગુજરાત બાર કાઉન્સિલની સામાન્ય સભામાં અનિલ સી. કેલ્લાં, દિપેન દવે, સી.કે. પટેલ, હિરાભાઇ એસ. પટેલ, અનિરુધ્ધસિંહ એચ. ઝાલા, ગુલાબખાન પઠાણ, કરણસીંહ બી. વાઘેલા, જીતેન્દ્ર ગોળવાળા, મનોજ એમ. અનડકટ, રમેશચંદ્ર એન. પટેલ, નલીન ડી. પટેલ, કિશોરકુમાર આર. ત્રિવેદી, રમેશચંદ્ર જી. શાહ, પરેશ આર. જાની તથા મુકેશ કામદાર સહિતના સભ્યોએ હાજર રહીને ચર્ચામાં ભાગ લીધો હતો

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ 1991 હેઠળ ગુજરાતમાં વકીલાતના વ્યવસાયમાં પ્રેકટીસ કરતાં તેમ જ એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનનારા ધારાશાસ્ત્રીઓના વારસદારોને તેમના મુત્યુ બાદ સહાય ચુકવવામાં આવે છે. શરૂઆતમાં મુત્યુ સહાય હેઠળ મરજિયાત યોજના રાખવામાં આવી હતી

જે તે સમયે માત્ર 15 હજાર જેટલી મૃત્યુ સહાય આપવામાં આવતી હતી. અને માત્ર વેલ્ફેર ફંડની રૂપિયા 4ની ટિકીટ દ્વારા વેલ્ફેર ફંડ ભેગું કરવામાં આવતું હતું

 

પરંતુ સમય જતાં 1/9/2003થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટમાં એમેન્ડમેન્ટ કરીને તેમાં મેમ્બરશીપ ફી તેમ જ રિન્યુઅલ ફી નક્કી કરવામાં આવી હતી. તેમ જ ગુજરાતમાં તાલુકા, જિલ્લાની અદાલતો, તેમ જ ટ્રિબ્યુનલો અને હાઇકોર્ટ સહિતની અદાલતોમાં વકીલાતનામા પર વેલ્ફેર ટિકીટ લગાડવાનું ફરજિયાત બનાવ્યું હતું.

સને 2003થી રૂપિયા 250 મેમ્બર ફી તેમ જ પાંચ વર્ષના ગાળા માટે રૂ. 250 રિન્યુઅલ ફી રાખવામાં આવી હતી

તેમ જ સને 2013થી 2500 રૂપિયા મેમ્બરશીપ ફી અને પાંચ વર્ષના ગાળા માટે રૂપિયા 1000 રિન્યુઅલ ફી રાખવામાં આવી હતી.

સને 2018થી પાંચ વર્ષ સુધીની પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓને રૂપિયા 500 વાર્ષિક તેમ જ પાંચ વર્ષ ઉપરાંતની પ્રેકટીસ કરતાં ધારાશાસ્ત્રીઓ જે વેલ્ફેર ફંડના સભ્ય હોય તેઓને વાર્ષિક રૂ. 1500 રીન્યુઅલ ફી ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું

નિયમિત ફી ભરનારા સભ્ય-ધારાશાસ્ત્રીને તેમના મૃત્યુ બાદ રૂપિયા સાડા ત્રણ લાખ મૃત્યુ સહાય ચુકવવામાં આવે છે. અને 45 વર્ષની વય પછી વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કરનારા ધારાશાસ્ત્રીને મર્યદિત મૃત્યુસહાયની રકમ આપવામાં આવે છે.

ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં વાર્ષિક આશરે 250થી 300 જેટલાં ધારાશાસ્ત્રીઓ અવસાન પામે છે. અને વાર્ષિક આશરે રૂપિયા આઠ કરોડ જેટલી રકમ તેમના વારસદારોને ચુકવવામાં આવે છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્રારા અત્યારસુધીમાં 50 કરોડ ઉપરાંતની રકમ ધારાશાસ્ત્રીઓના વારસદારોને ચુકવવામાં આવ્યા છે

(10:24 pm IST)