ગુજરાત
News of Saturday, 17th April 2021

ક્રાઇમ બ્રાન્ચે દરોડામાં જપ્ત કરાયેલ રેમડેસીવીર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેડને સોંપવા કોર્ટનો આદેશ

જરૂરીયાતમંદ દર્દી માટે જીવનદાન ઇન્જેક્શન મદદરૂપ થશે

અમદાવાદ : કોરોના મહામારીમાં સૌથી વધુ જરૂરીયાત હોય તેવા રેમડેસિવીર ઇન્જેક્શન માટે લોકો અહીંયાથી ત્યાં ધક્કા ખાઇ રહ્યાં છે ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં દરોડા પાડીને 35થી વધુ ઇન્જેક્શન સાથે એસવીપીના સ્ટાફ સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આ ઇન્જેક્શનની દર્દીઓને તાતી જરૂર હોવાથી તે યોગ્ય ઓથોરિટીને સોંપવા સરકારી વકીલે મુદ્દામાલ અરજી કરી હતી. જેમાં આરોપીઓએ વાંધો લીધો ન હતો. જેથી કોર્ટે પોલીસે કબજે કરેલ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને સોંપવા તથા જરૂરીયાતમંદને ઇન્જેક્શન ધારા ધોરણ મુજબ આપવાનો મહત્ત્વપૂર્ણ આદેશ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.જે.ખોજ્જાદાએ કર્યો છે.

સરકારી વકીલ વાય.કે.વ્યાસે મુદ્દામાલ તરીકે લીધેલા 35 અથવા વધુ રેમડેસિવીર ઇન્જેક્શન અધિકૃત્ત વ્યક્તિને સોંપવા માટે અરજી કરી હતી. જેમાં સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, ભારતમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમીત થઇ રહ્યા છે. દર્દીઓને બેડ મળવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ઓક્સિજન ઓછુ હોય તેમને રેમડેસિવીર ઇન્જેક્શનની તાતી જરૂર હોય છે અને તબીબો તેની ભમલાણ પણ કરે છે. ડિસે. 2020થી ફેબ્રુ.2021 દરમિયાન આ ઇન્જેક્શનની માંગ ઓછી હોવાથી કંપનીએ ઉત્પાદન ઘટાડી દીધુ હતુ. અત્યારે કોરોના વકર્યો છે ત્યારે ઇન્જેક્શનની તાતી જરૂર ઉભી થઇ છે. પોલીસે કબજે કરેલ ઇન્જેક્શની એક્સપાયરી ડેટ 11-2021 છે આ ઇન્જેક્શન પોલીસના મુદ્દામાલમાં પડ્યા રહે તો તેનો નાશ થઇ જશે. બજારમાં ઇન્જેક્શનની અછત છે ત્યારે સરકારી હોસ્પિટલમાં અધિકૃત વ્યક્તિને ઇન્જેક્શન સોંપવામાં આવે તો તે કેટલાક દર્દીઓ માટે નવજીવન લાવી શકે છે. તેથી મુદ્દામાલ યોગ્ય અધિકારીને સોંપવો જોઇએ.

આ અરજીના પગલે કોર્ટે આરોપીઓને આ અંગે નોટિસ ઇશ્યૂ કરતા તેમના તરફે એડવોકેટ કોર્ટમાં હાજર રહ્યાં હતાં. તેમણે લેખિતમાં એવી રજૂઆત કરી હતી કે, સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન જમા કરવામાં આવે તો ભવિષ્યમાં મુદ્દામાલ ઇન્જેક્શન સબંધે કોઇ ક્લેઇમ કે તકરાર લેશે નહીં. આ રજૂઆત બાદ કોર્ટે જપ્ત કરેલ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આપવા આદેશ કર્યો છે.

કોર્ટે મુદ્દામાલ અરજીના ચુકાદામાં એવી પણ નોંધ મુકી હતી કે, હાલ રેમડેસિવીર ઇન્જેક્શન મળી રહ્યાં નથી. આ ઇન્જેક્શનનો જથ્થો પેરીસીબલ મુદ્દામાલ છે તેથી તે પોલીસ સ્ટેશનમાં પડી રહે તે ન્યાયોચિત જણાતું નથી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જરૂરીયાતમંદ દર્દીઓને જીવનદાન આપવામાં ઇન્જેક્શન મદદરૂપ થશે. ઉપરાંત આરોપીઓએ પણ કોઇ વાંધો લીધો નથી. ત્યારે ઇન્જેક્શન સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આપવા આદેશ કરવો ન્યાયોચિત છે.

(11:21 pm IST)