ગુજરાત
News of Saturday, 17th April 2021

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા 15 મે સુધી મુલત્વી રાખવાનો સરકારનો નિર્ણય

રાજય સરકાર દ્રારા જાહેરનામું : ન્યાયિક હુક્મ/ચુકાદાને આ જાહેરનામાથી બાકાત

ગાંધીનગર મહાનગરપાલિકા બાદ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની નવ બેઠકોની ચૂંટણી મોકૂફ પછી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા 15 મે સુધી મુલત્વી રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જો કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુક્મ-ચુકાદાના અનુસંધાને હાથ ધરાયેલી હોય તે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને આ જાહેરનામાથી બાકાત રાખવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.

હાલમાં કોરોનાની મહામારીની ગંભીર અસરો સમગ્ર રાજયમાં પ્રસરી રહી છે. કોરોના વાયરસની મહામારીનો ખૂબ જ પ્રમાણમાં ફેલાવો થઇ રહ્યો છે. સામાન્ય પ્રજાજન માટે હેરફેર કરવી મુશ્કેલ થઇ રહી છે. તથા વધુ વ્યક્તિઓ એકત્રિત થાય તે પણ અનિચ્છનીય છે. વળી, આપત્તિના આ સંજોગોમાં રાજયનું વહીવટી તંત્ર તથા રાજયના વિવિધ જિલ્લાઓમાં અધિકારી/ કર્મચારીઓ આવશ્યક સેવાઓમાં રોકાયેલા છે. આ સંજોગોમાં રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજવાનું ચાલુ રહે તો કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવાની શક્યતાઓ રહેલી છે. તેથી આ તબક્કે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની, અન્ય સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવાની હોય અથવા જેની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ હોય તેવી તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની તથા અન્ય સહકારી સંસ્થાઓની ચૂંટમી પ્રક્રિયા કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને 15મી મે સુધી મુલત્વી રાખવા રાજય સરકાર દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની ચુંટણી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારબાદ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 9 બેઠકોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

(11:53 pm IST)