ગુજરાત
News of Saturday, 17th April 2021

ફરીવાર ઉઠી ફી ઘટાડાની માગ

વાલી મંડળોએ ફીમાં ૫૦% રાહત આપવાની કરી રજૂઆત

કોરોનાના કારણે અર્થતંત્ર મંદ પડયું હોવાથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ફી ઘટાડો કરી આપવામાં આવે તેવી રજૂઆત વાલી મંડળે રાજ્ય સરકાર સમક્ષ કરી છે

અમદાવાદ તા. ૧૭ : ગુજરાતના વાલી મંડળોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે સ્કૂલની ટ્યૂશન ફીમાં ૫૦્રુ ઘટાડો કરવાની માગ કરી છે. વાલી મંડળનું કહેવું છે કે, રાજયમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિના લીધે અર્થતંત્રમાં ફરીથી મંદી આવી છે. પરિણામે હાલ સ્કૂલે જતાં અનેક વિદ્યાર્થીઓના વાલીઓને આર્થિક સંકડાશનો સામનો કરવો પડી રહ્યો છે.

વાલી મંડળે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું, ગત વર્ષે ઓલ ગુજરાત વાલી મંડળે ૨૦૧૯-૨૦૨૦ની ફીમાં કાપ મૂકવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેનું કારણ પણ કોરોના મહામારી હતી. જે બાદ રાજય સરકારે તમામ સ્કૂલોને ફીમાં ૨૫% ઘટાડો કરવાની સૂચના આપી હતી.

રાજય સરકારને લખેલા પત્રમાં ઓલ ગુજરાત વાલી મંડળે કહ્યું, 'આ વર્ષે ઘણી સ્કૂલોએ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ ફી વધારાનો પ્રસ્તાવ મૂકી દીધો છે. તેમણે ફીમાં ૨૦%થી ૨૫% વધારાની માગ કરી છે. ત્યારે અમે વાલીઓ આ વર્ષે ફીમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થાય તેવી માગણી કરીએ છીએ.'

શુક્રવારે વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિ દ્વારા પણ આ પ્રકારનો પ્રસ્તાવ રાજય સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ તરફ રાજયમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિને જોતાં સરકારે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી છે. ગુરૂવારે સરકારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ધોરણ ૧થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા લીધા વિના જ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે માસ પ્રમોશન અપાશે.

(11:44 am IST)