ગુજરાત
News of Saturday, 17th April 2021

અમદાવાદના ઓઢવમાં પોલીસે 1.60 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

અમદાવાદ: શહેરનાઓઢવમાં શ્યામજી કૃષ્ણ વર્મા ચાર માળીયા પાસેથી રૃપિયા ૧.૬૦ લાખની કિંમતનો વિદેશી દારૃ ઝડપાયો છે. જોકે, વિદેશી દારૃનો જથ્થો મગાવનારા શખ્સ અને તેના પત્ની પોલીસ રેડ દરમિયાન નાસી છૂટયા છે અને તેની શોધખોળ જારી છે. આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એવી બાતમી પ્રાપ્ત થઇ હતી કે દશરથ, બ્રિજેશ  તથા ભુવનેશ્વર નામના શખ્સે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૃનો જથ્થો મગાવી સીંગરવા વેપારી મહામંડળ પાસે આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા ચાર માળિના મકાનમાં છુપાવ્યો છે. આ ચાર શખ્સ પૈકી બ્રિજેશ અને ભુવનેશ્વર ગેરકાયદે દારૃ વેચાણના સ્થળે જ હાજર હોવાની પણ બાતમી હતી. જેના આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા દારૃનો જથ્થો મળી આવ્યો હતો. મકાનમાં તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૃની ૭૫૦ મિ.લી.ની કાચની સીલબંધ ૮૪ બોટલ મળી આવી હતી અને એક બોટલની કિંમત રૃપિયા ૫૦૦ હતી.

એટલું જ નહીં આ શખ્સોએ વિદેશી દારૃની ૭૫૦ મિ.લી.ની ૬૦ બોટલો ઘરની બહાર પાર્ક કરેલા બે વાહનોમાં પણ છુપાવી હતી. આમ, તેમની પાસેથી કુલ રૃપિયા ૧.૬૦ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો હતો. દશરથના મકાનમાં જ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે દારૃનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.  પોલીસ રેડની જાણ થતાં જ દશરથ નાસી છૂટયો હતો. ગુનેગારો વિરુદ્ધ ગુજરાત રાજ્ય પ્રોહિબિશન એક્ટ હેઠળ તપાસ શરૃ કરાઇ છે.

(5:04 pm IST)