વડોદરામાં વુડાના નિવૃત અધિકારીના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 14 તોલા ઉપરની સોનાની ચોરી કરતા ચકચાર
વડોદરાઃ શહેરમાં બંધ મકાનોની રેકી કરી ચોરી કરતી ગેંગ દ્વારા દિવાળીપુરા વિસ્તારમાં વધુ એક મકાનને ટાર્ગેટ બનાવી ૧૪ તોલા ઉપરાંતના સોનાના દાગીનાની ચોરી કરી હતી.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનો પર વોચ રાખી ચોરો ત્રાટકી રહ્યા છે.તાજેતરમાં ગુજરાત એટીએસની ટીમે બંધ મકાનોને ટાર્ગેટ કરતી સિકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડયો હતો અને તેની પાસે ૩૦થી વધુ મકાનોની ચોરીના ભેદ ખૂલ્યા હતા.
દિવાળીપુરા વિસ્તારની શંકરબાગ સોસાયટીમાં રહેતા વુડાના નિવૃત્ત નગર નિયોજક શનાભાઇ જેસિંગભાઇ માળી અને તેમના પત્ની પુત્રીને ત્યાં રહેવા માટે ગયા હતા.તા.૧૩મીએ તેમણે દવા લેવા માટે મકાન ખોલ્યું હતું અને ફરી પુત્રીને ત્યાં ગયા હતા.
આજે સવારે તેમના પાડોશીએ ફોન કરી તાળું તૂટયુ હોવાની જાણ કરી હતી.જેથી શનાભાઇ મકાને દોડી આવ્યા હતા.તપાસ કરતાં ચોરોએ તાળું તોડી તિજોરીમાંથી ૧૪તોલાથી વધુ વજનના સોનાના દાગીના તેમજ ૩૫૦ ગ્રામ ચાંદીના દાગીના મળી રૃા.૬ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી હોવાનું જણાઇ આવ્યું હતું.ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.