ગુજરાત
News of Saturday, 17th April 2021

કુંભમેળામાંથી આવેલા સુરતના 13 લોકોને કોરોના પોઝીટીવ આવતા ફફડાટઃ માહિતી ન છૂપાવવા અપીલ

સુરત: કોરોના વાયરસના કેસો સતત વધવાથી કુંભના મેળાના સમાપનની જાહેરાત કરી દેવાઈ છે. ત્યારે અનેક યાત્રીઓ કુંભ મેળામાંથી પરત ફરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ આ યાત્રીઓ આવી રહ્યાં છે. કુંભથી સુરત આવેલા 13 લોકો અત્યાર સુધી પોઝિટિવ નીકળ્યા છે. સુરતમાં 300થી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે કુંભથી આવેલા લોકોના RTPCR નેગેટિવ ન આવે ત્યાં સુધી તમામને ક્વોરેન્ટાઇન રહેવા આદેશ અપાયો છે. જોકે અનેક લોકો હજુ પણ કુંભથી આવ્યાની માહિતી છુપાવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ છે.

હરિદ્વારથી આવનારા લોકો પાલિકાને જાણ કરે

નિરંજની અખાડાએ જાહેરાત કરી હતી કે, 17 એપ્રિલના રોજ તેમના તરફથી કુંભ મેળાનું સમાપન કરવામાં આવશે. કારણ કે, અખાડાના અનેક સાધુસંતો પોઝિટિવ આવ્યા છે. જેના બાદ અનેક યાત્રીઓ પોતાના વતન તરફ પરત ફરી રહ્યાં છે. આવામાં ગુજરાતમાં આવી રહેલા યાત્રીઓ પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યાં છે. જેમાં સુરતમાં 13 મુસાફરો પોઝિટિવ નીકળ્યા છે. આવામાં સુરત કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાવેલ કરનારા લોકો આવે તો સોસાયટી પ્રમુખોએ પાલિકાને જાણ કરવા સુચિત કરાયા છે. બીજી તરફ અધિકારીઓ કહે છે કે, તમામ ટોલ નાકાઓ પર, સર્વેલન્સ સ્ટાફ, ધનવંતરી રથ પણ ટેસ્ટિંગ કરે છે. પરંતુ બહારગામથી આવતાં લોકો સહકાર આપતાં નથી. વિદેશથી આવ્યાં હોય તો પણ કહેતાં નથી.

એક મહિનામાં 286 બાળકો પોઝિટિવ

કોરોનાનો સેકન્ડ વેવ બાળકો માટે ઘાતક બની રહ્યો છે. તેમાં પણ સુરતની પરિસ્થિતિ વધુ વિકટ છે. સુરતમાં એક જ મહિનામાં 286 બાળકો સંક્રમિત થયા છે. જેમાંથી 3 બાળકોના મોત નિપજ્યા છે. 10 વર્ષ સુધીની વયના બાળકોમાં સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. જેમાં અઠવા ઝોનમાં 72 કેસ જોવા મળ્યાં છે.

(5:20 pm IST)