ગુજરાત
News of Saturday, 17th April 2021

સુરતમાં 22 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા એક પ્રેમીએ વૃદ્ધા પ્રેમિકાની હત્‍યા કરીને મૃતદેહ સાથે 2 દિવસ સુઇ રહ્યોઃ કોરોનાકાળનું બહાનુ ધરીને ધરપકડથી બચવા પ્રયાસ કર્યો

સુરતઃ સુરતમાં 22 વર્ષથી લિવઇનમાં રહેતા એક પ્રેમીએ વૃદ્ધા પ્રેમિકાની હત્યા કરી, તેની લાશ સાથે બે દિવસ સુધી સુઇ રહ્યો. પછી કોરોનાકાળનો લાભ ઉઠાવી હોસ્પિટલ લઇ જઇ રસી લીધા બાદ તબિયત બગડી હોવાનું બહાનું કર્યું, છતાં પોલીસે કાતિલનું જુઠાણુ પકડી પાડી તેની ધરપકડ કરી છે. સાથે હત્યાનો ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરતના ડિંડોલી વિસ્તારની સંતોષીનગર વસાહતમાં રોહિત સીમાંચલ સવાઇ (45) તેની 65 વર્ષીય પ્રેમિકા સુલતાના સાથે લિવ ઇનમાં રહેતો હતો. તેમની વચ્ચે 22 વર્ષનો સંબંધ હતો. તેથી તે બધાને રેહાનાને પત્ની હોવાનું જ જણાવતો હતો.

13 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં લાશ લઇને પહોંચ્યો

રોહિત ગત 13 એપ્રિલે ગુરુવારે સુલતાનાને સિવિલ હોસ્પિટમાં બેભાન અવસ્થામાં લઇ ગયો અને હાજર નર્સિંગ સ્ટાફને કહ્યું કે તેની પત્નીની તબિયત અચાનક બગડી ગઇ છે. તેણે થોડા દિવસ પહેલાં કોરોનાની રસી લીધી હતી. જો કે ડોક્ટરોએ સુલતાનાને જોઇ મૃત જાહેર કરી હતી. ત્યારે પોલીસે પણ અકસ્માતે મોત અંગે નોંધ કરી હતી.

પરંતુ ડિંડોલી પોલીસ જ્યારે તપાસ માટે હોસ્પિટલ પહોંચી ત્યારે લાશ જૂની હોવાની શંકા ગઇ હતી. મૃત રહેનાની આંખ પાસે કિડીઓ દેખાતી હતી. તેથી પોલીસે લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલતા ભેદ ઉકેલાયો હતો કે મહિલાની બે દિવસ પહેલાં ગળુ દબાવીને હત્યા કરાઇ હતી. તેથી રોહિતની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી લીધી.

12 એપ્રિલે બંને વચ્ચે જમવાનું બનાવવા મામલે ઝઘડો થયો

રોહિતે પોલીસને જણાવ્યું કે 12 એપ્રિલે બંને વચ્ચે તેને સુલતાના સાથે ભોજન બનાવવાના મામલે બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાટમાં આવી તેણે રેહાનાનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. બાદમાં તેની લાશની બાજુમાં સુઈ ગયો હતો. બીજા દિવસે વેક્સિનવાળી બોગસ સ્ટોરી ઘડી કાઢી હતી.

પોલીસે જણાવ્યું કે રોહિત હત્યા કર્યા બાદ બે દિવસ સુધી રેહાનાનો મૃતદેહ ઘરમાં જ રાખ્યો હતો. તે મૃતદેહનો નિકાલ કરવા માંગતો હતો પરંતુ તક મળી નહીં, બીજી તરફ વધારે ગરમી પડતા મૃતદેહ સડવા લાગ્યો હતો, દરમિયાન તેને વેકેસિન લીધા બાદ તબિયત બગડવા વાત સાંભળી.

ધરપકડથી બચવા વેક્સિનની વાર્તા ઉપજાવી કાઢી

ધરકપડથી બચવા વેક્સિનની વાર્તા ઉપજાવી કાઢી હતી. આરોપી મૂળ ઓરિસ્સાના છત્તરપુરનો છે. સુરત આવ્યા બાદ તે ક્યારેય પોતાના ગામ પરત ગયો નથી. જોકે મૃતક મહિલા વિશે કોઇ માહિતી મળી નથી. પોલીસે રોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:23 pm IST)