ગુજરાત
News of Saturday, 17th April 2021

રેમડેસિવીર બાદ ઈટોલીઝુમાબ ઈન્જેક્શનના કાળાબજાર : શાહીબાગમાં પારસ ફાર્માસીમાં દરોડો :આરોપીની ધરપકડ

પોલીસે દરોડો પાડી 3 ઈન્જેક્શન જપ્ત કરી દુકાન માલિક હાર્દિક ઠાકોરની ધરપકડ કરી

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના સામે રક્ષણ આપતા ઇંજેકશનોની કાળા બજારી વધી છે. અમદાવાદમાં પણ રેમડેસિવીર અને તેના જેવા ઈટોલીઝુમાબ ઇન્જેકશનો ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ થયો છે.

શહેરમાં મહામારી ચાલી રહી છે ત્યારે આર્થિક ફાયદા સારુ કેટલાક લોકો કાળા બજારી કરી રહ્યા છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઈટોલીઝુમાબ ઈન્જેક્શન નામનો ઈન્જેક્શનનો જથ્થો રાખીને બજાર કિંમત કરતા વધુ ભાવે ગ્રાહકોને વેચી વિશ્વાસઘાત કરતો હતો. શાહીબાગ વિસ્તારમાં આવેલી પારસ ફાર્મસી નામની દુકાનમાં પોલીસે દરોડો પાડી 3 ઈન્જેક્શન જપ્ત કરી દુકાન માલિકની ધરપકડ કરી હતી.

શાહીબાગ વિસ્તારમાં આવેલા આકાશદિપ એપાર્ટમેન્ટની નીચે 5 નંબરની પારસ ફાર્મસી નામની દવાની દુકાન ધરાવતા હાર્દિક ઠાકોર પોતાની દુકાનમાં ઈટોલીઝુમાબ ઈન્જેક્શનનો બજાર કિંમત કરતા ઉંચા ભાવે વેચાણ કરતા હતા.

જેની બાતમીના આધારે પોલીસે પારસ ફાર્મસીમાં દરોડો પાડ્યો હતો. ત્યારબાદ દુકાનમાં તપાસ કરતા ઈટોલીઝુમાબ ઈન્જેક્શનના ત્રણ ઈન્જેક્શનો શીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે આ ઈન્જેક્શનની બજાર કીંમત 31 હજાર છે જેની વેચાણ કીંમત 31800 રૂપિયા હોવા છતા આર્થિક ફાયદા હેતુ આ ઈન્જેક્શન 55 હજારમાં વેચી ગ્રાહકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરતો હતો.

પોલીસે આ ત્રણેય ઈન્જેક્શનો જપ્ત કરીને હાર્દિક ઠાકોર વિરુદ્ધમાં વિશ્વાસઘાત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની જુદી જુદી કલમો સહીતનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. જોકે આરોપી આ પેલા કેટલા ઇન્જેક્શન લાવ્યો અને કોને કોને વધુ કિંમતમાં વેચાણ કર્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે

(6:56 pm IST)