ગુજરાત
News of Saturday, 17th April 2021

૧૨૦૦માં રેમડિસિવિર મળશે તેવી ઓએલએક્સની પોસ્ટ મળી

સુરતમાં રેમડિસિવિર લેવાની લાંબી લાઇનો : એકબાજુ સરકારે કહ્યું છે કે, ઇન્જેક્શનોનો સ્ટોક વધારી દેવામાં આવ્યો છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તો કંઇ બીજી છે

સુરત,તા.૧૭ : ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે રેમડેસિવીર ઇન્જેક્શન માટે લોકો હજી પણ વલખાં મારી રહ્યાં છે. કોરોનાવાયરસથી સંક્રમિત દર્દીઓનો પરિવાર રેમડેસિવીર ઇન્જેક્શનો માટે કેટલાય રૂપિયા આપીને લે છે. એકબાજુ સરકારે કહ્યું છે કે, હવે આ ઇન્જેક્શનોનો સ્ટોક વધારી દેવામાં આવ્યો છે પરંતુ વાસ્તવિક સ્થિતિ તો કંઇ બીજી જ છે. આ હાહાકાર વચ્ચે કેટલા ટિખળખોરો પણ છે જે લોકો આવી કપરી પરિસ્થિતિમાં મઝા લઇ રહ્યાં છે. સુરતનાં ડિંડોલીનાં અંબિકા પાર્ક તેમજ અંબાનગર ખાતે ૧૨૦૦ રૂપિયામાં રેમડેસિવીર ઇન્જેક્શન મળશે તેવી ઓએલએક્સની પોસ્ટ મળી હતી. જોકે, લોકો આ પોસ્ટ મુકનાર વ્યક્તિનો સંપર્ક કરી શક્યા ન હતા. તે વ્યક્તિને ઇન્જેક્શનોની જરૂર છે તેવા મેસેજ પણ આપ્યા તો પણ સામેથી કોઇ જવાબ આવ્યો ન હતો. જે દર્દી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યું હોય તેનો પરિવાર તો આ ઇન્જેક્શન માટે વલખાં મારી રહ્યું હોય છે.

ત્યારે આવી પોસ્ટના કારણે લોકોને એક આશા જાગે છે પરંતુ હાથમાં કાંઇ આવતું નથી. આવી રીતે પહેલા પણ દર્દીઓનો પરિવાર સાઇબર ક્રાઇમનો ભોગ બન્યો હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યાં છે. ત્યારે આવી પોસ્ટ કરનાર સામે શહેરની પોલીસે પણ પલગા લે તેવી માંગ ઉઠી છે. નોંધનીય છે કે, સુરતમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાતા દર્દીના સ્વજનો વહેલી સવારથી ઈન્જેક્શન માટે લાંબી લાઈનલગાવી રહ્યાં છે પરંતુ તેમનો નંબર આવે ત્યાં સુધીમાં સ્ટોક પુરો થતાં નિરાશા હાથ લાગી રહી છે. ઈન્જેક્શન મેળવવા માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હોવા છતાં પણ હોસ્પીટલ દ્વારા ઈન્જેક્શનની વ્યવસ્થા ઉભી ન કરાવાતી હોવાનો આક્ષેપ સ્વજનો કરી રહ્યાં છે. સામાન્ય લોકો તો ઠીક પણ પાલિકાના કર્મચારીઓ પણ નોકરી સાથે પોતાના સ્વજનોને બચાવવા માટે ઈન્જેક્શન મેળવવા માટે લાઈનમાં ઉભા રહેલાં જોવા મળી રહ્યાં છે.

(7:27 pm IST)