ગુજરાત
News of Saturday, 17th April 2021

અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો :કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં ICU વિથ વેન્ટિલેટરના માત્ર 3 જ બેડ ખાલી

હૉસ્પિટલમાં બેડ, ઓક્સિજન તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની તબીબી સુવિધાઓ માટે દોડધામ

અમદાવાદમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન ધરખમ વધારો થઇ રહ્યો છે. શહેરમાં કોરોનાના એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે જેને કારણે હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી અને કોરોના સંક્રમિતો માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનની પણ અછત જોવા મળી રહી છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં ICU વિથ વેન્ટિલેટરના માત્ર 3 જ બેડ ખાલી છે. જ્યારે ICU વિથાઉટ વેન્ટિલેટરના માત્ર 7 જ બેડ ખાલી છે.

અમદાવાદની હૉસ્પિટલમાં બેડ, ઓક્સિજન તેમજ રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની તબીબી સુવિધાઓ માટે દર્દીઓના સગાઓ આમ તેમ મદદ માટે દોડી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 3241 પોઝિટિવ કેસ નોંધાયા છે બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં માત્ર 242 બેડ જ ખાલી પડ્યા છે. હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનની વેબસાઇટના આધારે 17 એપ્રિલે 5 વાગ્યાની સ્થિતિએ જોઇએ તો વેન્ટિલેટર સાથેના આઇસીયુમાં 390 બેડ ભરેલા છે જ્યારે 3 બેડ જ ખાલી છે. વેન્ટિલેટર વગરના આઇસીયુમાં 890 બેડ ભરેલા છે જ્યારે 7 બેડ જ ખાલી છે. HDU બેડમાં 2059 બેડ ભરાયેલા છે જ્યારે તેમાં માત્ર 58 બેડ જ ખાલી છે. આઇસોલેશન બેડમાં 1899 ભરાયેલા છે જ્યારે 174 બેડ જ ખાલી છે

(9:07 pm IST)