ગુજરાત
News of Monday, 17th May 2021

વાવાઝોડા સામે વીજતંત્ર સાબદુઃ ૪૦૦ કોવીડ હોસ્પીટલ તથા ૪૧ ઓકસીજન પ્લાન્ટમાં વીજ ટીમો તૈનાતઃ કુલ પ૮પ ટીમો ખડેપગે

ઓકસીજન અંગે જામનગરથી રાજકોટ ગ્રીન કોરીડોરઃ હોસ્પીટલોના રરર ફીડરોમાં બે બે પાવર : છ સ્થળે રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમઃ એક લાખ કંડકટર-ર૦ હજાર ફોર્મર-૪૦૦ કી. મિ. L.T. ટેબલ પહોંચાડાયો...

વાવાઝોડા સામે સૌરાષ્ટ્ર - કચ્છમાં વીજ તંત્ર સાબદુ બની ગયું છે. ગઇકાલે પત્રકાર પરિષદ સંબોધતા ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, એમ.ડી. શ્વેતા તેઓટીયા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૭ : હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડાની તા. ૧૮-૦૫-૨૦૨૧ દરમિયાન ટકરાવની આગાહીને ધ્યાને લઈને રાજયના ઉર્જા વિભાગ દ્વારા આ સંભવિત વાવાઝોડાને કારણે ઊભી થતી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધેલ છે.

સમગ્ર પૂર્વ આયોજનની આખરી ઓપ આપી અને સમીક્ષા અર્થે રાજયના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે રાજકોટ ખાતે પીજીવીસીએલ (PGVCL) અને જેટકોના (GETCO) અધિકારીઓ સાથે એક ખાસ બેઠક બોલાવી હતી.

ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે રાજકોટ પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ ખાતેથી સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છના પીજીવીસીએલ અને જેટકોના દરેક સર્કલ – ડિવિઝનના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી સંભવિત વાવાઝોડાની અસરોને લીધે વીજપુરવઠો ખોરવાઈ તો યુદ્ઘના ધોરણે વીજપુરવઠો પૂર્વરત કરી શકાય તે માટે દરેક મુદે ઝીણવટભર્યુ-અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.બેઠક બાદ મંત્રીશ્રીએ માધ્યમો સાથે સંવાદ કરી ઉર્જા વિભાગ દ્વારા કરાયેલી તૈયારીઓ અને કામગીરીની માહિતી આપી હતી.  

આ પ્રસંગે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં લો પ્રેસર થી સંભવિત વાવાઝોડું 'તોકતે' (TAUKTAE) જો સાયકલોનમાં પરિણમે તો ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે અને તેને ધ્યાને લઈને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ રાજયનું સમગ્ર ઊર્જા વિભાગ આગોતરા આયોજન સાથે સતર્ક છે. વીજ સુરક્ષા અને સલામતીના જરૂરી તમામ કદમ ઉઠાવવા અને રાહત કાર્ય આપવા માટે સજ્જ છે.                                                                        

ઊર્જા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ખાસ કરીને કોવિડ પ્રોટોકોલને અને હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજયનું સમગ્ર વીજ વિભાગ ખાસ કરીને પી. જી. વી. સી. એલ અને જે. ટ. કો. ની તમામ ટીમો સુસજ્જ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના કુલ ૧૨ જીલ્લાઓમાં કુલ ૩૯૧ કોવીડ હોસ્પિટલોમાં ૨૩૨ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડાય છે અને આકસ્મિક સંજોગોમાં જો કોઈ વીજવિક્ષેપ ઉભો થાય તો નજીકના અન્ય ફીડરમાંથી વીજ પુરવઠો સત્વરે ચાલુ કરી આપવા માટેની વ્યવસ્થા ઉભી કરેલ છે. આ તમામ હોસ્પિટલોનું કંપની દ્વારા જનરેટર સેટ અને અન્ય તાંત્રિક બાબતો માટે તપાસ કરવામાં આવેલ છે તથા હોસ્પિટલ મેનેજમેન્ટ અને લાગુ પડતા જીલ્લા સમાહર્તાશ્રીને આ બાબતે જાણ કરેલ છે. ઉપરાંત હોસ્પિટલ લેવલે જનરેટર સેટનું આયોજન કરવા માટે સૂચના પણ અપાયેલ છે.આ ઉપરાંત આ વિસ્તારમાં કાર્યરત કુલ ૪૧ જેટલા ઓકસીજન પ્લાન્ટમાં ૩૩ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે અર્થે પણ કોઈ વીજવિક્ષેપનો સામનો કરવા નજીકના અન્ય ફીડરમાંથી વીજ પુરવઠો સત્વરે ચાલુ કરવા જરૂરી વ્યવસ્થા ઉભી કરેલ છે.

ઉર્જા વિભાગ હેઠળની દરેક તમામ વીજ વિતરણ કંપનીની કોર્પોરેટ કચેરી તેમજ વર્તુળ કચેરીઓ ખાતે ૨૪ કલાક આપત્ત્િ। વ્યવસ્થાપન કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવેલ છે અને તમામ વર્તુળ કચેરીઓ ખાતે નોડલ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ ઈમરજન્સી ઓપેરશન સેન્ટર્સમાં ફરજ બજાવી રહેલા નોડલ ઓફિસર્સને તેમના નિયંત્રણ હેઠળના કંટ્રોલ રૂમ્સમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર રાઉન્ડ-ધ-કલોક ચાંપતી નજર રાખવા તેમજ કોઇપણ પ્રકારની કટોકટીને પહોચી વળવા જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ સાથે સંકલન સાધી રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

વીજ ટ્રાન્સમિશનનું કાર્ય સંભાળતી ઊર્જા વિભાગની કંપની જેટકો (GETCO) દ્વારા પણ વીજવિક્ષેપ અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કરાયેલ છે. જેમાં સાયકલોન માટે કમિટીની રચના, વીજ લાઈનો માટેની મટીરીયલની તૈયારી, ડી.જી. સેટ, પાણી ભરાતા સબ-સ્ટેશનોમાં વોટર પમ્પ તૈયાર રાખવા, વીજવિક્ષેપ અટકાવવા માટે ટ્રાન્સફોર્મરનું વોટર પ્રુફીંગની કામગીરી, વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે લાઇનની એજન્સી તૈયાર રાખવી, કોવીડ હોસ્પિટલ  તેમજ ઓકસીજન પ્લાન્ટને વીજ પુરવઠો પૂરો પડતાં સબ-સ્ટેશન માટે દ્વિતીય  સ્ત્રોત, પાણી ભરાતા સબ-સ્ટેશન માટે રેકટીફીકેશન પ્લાન.વીજ વિભાગ હેઠળની દરેક વીજ વિતરણ કંપનીની દરેક વર્તુળ કચેરીમાં વીજ પુરવઠાનું મોનીટરીંગ કરવા માટે નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવેલ છે.

પીજીવીસીએલની અસરગ્રસ્ત તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે વાવાઝોડાને કારણે ઊભી થતી કોઈપણ પરિસ્તિથિને પહોંચી વળવા માટે નાયબ ઈજનેર/જુનિયર ઈજનેરની આગેવાની હેઠળ લાઈનસ્ટાફને વાહન સાથે ખડેપગે રખાયો છે. પીજીવીસીએલની ૨૯૧ ડીપાર્ટમેન્ટલ અને ૨૯૪ કોન્ટ્રાકટરની ટીમ જરૂરી સાધન-સામગ્રી અને સલામતિ સાધનો સાથે તૈયાર રાખવામાં આવેલ છે.તમામ વિભાગીય કચેરીઓ અને કાંઠાળ વિસ્તારોમાં આવશ્યક વીજમાલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનાવી દેવામાં આવ્યો છે.

અન્ય વીજ વિતરણ કંપનીમાં પણ વાવાઝોડાને કારણે ઉભી થતી પરિસ્થિતિને પંહોચી વળવા માટે દરેક ડીવીઝન દીઠ, જુનિયર ઈજનેરની આગેવાની હેઠળ લાઈન સ્ટાફ તથા કોન્ટ્રાકટરની વાહન સાથેની ૨ ટીમ જરૂરી સાધન અને સલામતીના સાધન સાથે તૈયાર રાખવામાં આવેલ છે.   વીજ પુરવઠો ખોરવાઇ જવાના સંજોગોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, હોસ્પિટલ્સ/કોવીડ હોસ્પિટલ, ઓકસીજન પ્લાન્ટ, વોટરવર્કસના જોડાણો, મહત્વની સરકારી કચેરીઓ, આશ્રયગૃહો વગેરેમાં વીજપુરવઠાનું પુનઃસ્થાપન એ પ્રાથમિકતા રહેશે.

ભૂતકાળના અનુભવને ધ્યાને લઈને જે વિસ્તારોમાં વાવાઝોડાની વિશેષ અસર થઇ શકે તેમ છે તેવા તમામ ક્ષેત્રોને અલગ તારવીને વીજળી માટે આવશ્યક એવી તમામ ચીજ-વસ્તુઓનો જેમ કે થાંભલા લગભગ – એક લાખ નંગ, કંડકટર – ૨૫ હજાર કિમી, ટ્રાન્સફોર્મર – ૨૦ હજાર નંગ, એલટી કેબલ – ૪૦૦ કિમી અને જરૂરી ફેબ્રિકેશન આઈટમ, જુદી જુદી પેટા વિભાગીય કચેરી માંહેના સબ સ્ટેશન ખાતે ખાસ કરીને વેરાવળ, સોમનાથ, ઉના, મહુવા, દ્વારકા, ખંભાળિયા, નલીયા, ગાંધીધામ, મુન્દ્રા વગેરે પેટા વિભાગીય કચેરીમાં પહોચાડવામાં આવી રહ્યો છે. આમ, તમામ વિભાગીય કચેરીઓ અને કાંઠાળ વિસ્તારોમાં આવશ્યક વીજમાલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનાવી દેવામાં આવ્યો છે.                             

મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાત વીજકંપની લી.ની ટીમો પણ માલ સામાન અને જરૂરી સંસાધનો સાથે તૈયાર રાખવા આવેલ છે. જરૂર પડ્યે આ બધી ટીમોને સત્વરે રવાના કરી અને વીજ પુરવઠો યુદ્ઘના ધોરણે પુનઃસ્થાપિત કરી શકાય. કટોકટીની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા માટે તમામ વિભાગીય સ્ટોર ઓફિસ અને ક્ષેત્રીય સ્ટોર ઓફિસ ૨૪ કલાક સતત કાર્યરત રહેશે અને આવશ્યકતા અનુસાર માલસામાન પૂરો પાડતા રહેશે. એટલું જ નહિ, જે-તે સ્થળે ટ્રક/વાહનનને પણ ડ્રાઈવર સાથે તૈયાર રાખીને સંદેશો મળતા જ માલસામગ્રી પહોંચાડવા રવાના થઇ શકે ત્યાં સુધીની તૈયારી કરી રાખવામાં આવી છે.

આજની સમીક્ષા બેઠકમાં જી.યુ.વી.એન.એલ.એલ.ના એમ.ડી. અને પી.જી.વી.સીએલના ચેરમેન શ્રી શાહમીના હુસેન, પીજીવીસીએલના એમ.ડી. શ્વેતા તેઓટીયા, અને અન્ય અધિકારી શ્રી જે.જે.ગાંધી અને એન.એન ભટ્ટ ઉપસ્થિત રહયા હતા. પત્રકાર પરિષદમાં પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ પણ ઉપસ્થિત રહયા હતા.

(10:37 am IST)