ગુજરાત
News of Monday, 17th May 2021

દરિયાકાંઠાના ૧.૫૦ લાખ લોકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતર

તૌકતે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે : વાવઝોડું ગુજરાતને ટકરાયા બાદની સ્થિતિઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી

ગાંધીનગર, તા. ૧૭ : રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડું સંભવતઃ સોમવારે મોડેથી ગુજરાતના દરિયાકાંઠે ટકરવાની શકયતા છે. આ વાવાઝોડું દિવથી ૨૦ કિમી પૂર્વમાં સ્થિર થઈને મહુવા તથા ઉનાની વચ્ચેના વિસ્તારમાં ટકરાવાની શક્યતા છે.

આ માટે સોમવાર બપોર સુધીમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં કિનારાથી ૧૦ કિમી સુધીના વિસ્તારમાં રહેતા આશરે ૧.૫૦ લાખ નાગરિકોનું ૯૩૦ જેટલાં શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. પંકજ કુમારે જણાવ્યું કે વાવઝોડું ગુજરાતને ટકરાયા બાદની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

વાવાઝોડાના પગલે વરસાદના કારણે ઊભી થનારી મુશ્કેલીઓને નિવારવા માટે સમગ્ર તંત્ર સજ્જ છે અને જરૂર પડ્યે રેસ્કયુ ઓપરેશન માટેની તમામ તૈયારીઓ અત્યારથી જ કરી લેવામાં આવી છે. આ માટે ૩ રિઝર્વ ટીમ સહિત એનડીઆરએફ ની ૪૪ ટીમ તથા એસડીઆરએફની ૧૦ ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત, ફોરેસ્ટ વિભાગની ૨૬૨ તેમજ માર્ગ અને મકાન વિભાગની ૨૬૨ ટીમ તૈનાત કરવામાં આવી છે.

સચિવએ ઉમેર્યું કે આ વાવાઝોડાની સૌથી વધુ અસર પશ્ચિમ ગુજરાતના પોરબંદર, જુનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં થવાની શકયતા છે. આ ઉપરાંત, નજીકના બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, દક્ષિણ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ અસર થવાની શકયતા દર્શાવાઈ છે. જ્યારે વલસાડ તથા નવસારી જિલ્લાઓમાં વાવાઝોડાના પગલે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તેમણે જણાવ્યું કે આ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે અને વાવાઝોડું ૧૮૦ થી ૧૯૦ કિમીની ઝડપે ત્રાટકી શકે છે. વાવઝોડું રાત્રે ૮ વાગ્યા પછી ગુજરાતના દરિયાકાંઠે ટકરવાની શક્યતા છે, પરંતુ તેની અસર બપોરથી જ શરૂ થઈ જશે. વાવાઝોડાની શક્યતાના પગલે અસરગ્રસ્ત થવાની શક્યતાવાળા તમામ જિલ્લાઓમાંથી તમામ પ્રકારના હોર્ડિંગ્સ ઉતરાવી લેવામાં આવ્યા છે. જ્યારે તમામ નાગરિકોને ઘરની બહાર ન નીકળવા અને કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવા તથા સાબદા રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે.

(9:07 pm IST)