ગુજરાત
News of Tuesday, 17th May 2022

પાટીદાર અનામત આંદોલન વખતે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં હાર્દિક પટેલ સહિત 21 વ્યક્તિ જામીન મુક્ત

આ કેસમાં જામીન મળતા કૉંગ્રેસના મહિલા અગ્રણી અને પાટીદાર આગેવાન ગીતા પટેલે ખુશી વ્યક્ત કરી

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યમાં નોંધાયેલા કેસોને પરત ખેંચવાને લઈને રાજકારણ તેજ બની રહ્યું છે. સરકારે આ કેસો પાછા ખેંચવાની શરૂઆત કરી છે. આ દિશામાં પહેલું પગથીયું સરકારી ચઢી ગઈ છે. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન વખતે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આજે હાર્દિક પટેલ સહિત 21 વ્યક્તિને જામીન મળી ગયા છે. આ કેસમાં જામીન મળતા કૉંગ્રેસના મહિલા અગ્રણી અને પાટીદાર આગેવાન ગીતા પટેલે ખુશી વ્યક્ત કરી છે.

રામોલ પોલીસ મથકમાં હાર્દિક સહિત 21 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ પોલીસ ફરિયાદને પાછી ખેંચવા માટે સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. આ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે તમામ 21 આરોપીઓને જામીન આપ્યા છે.

પાટીદાર મહિલા અગ્રણી અને કૉંગ્રેસ નેત્રી ગીતા પટેલે જણાવ્યું, ‘એક કેસમાંથી તો છુટ્ટી મળી છે, જે આ કોર્ટમાં પણ છે અને રાજ્યના અન્ય શહેરોમાં પણ છે. સરકારે જાહેરાત કરી છે કે વર્ષ 2017ના તમામ કેસો પાછા ખેંચીશું. જોકે, એક કેસ પાછો ખેંચાવાથી શું ફરક પડે જ્યારે બાકીના 99 કેસ ઊભા છે ત્યારે તમામ કેસોમાં જલદી પ્રક્રિયા થાય તેવી માંગ છે. એક ટકો ખુશી છે કે ચલો એક કેસમાંથી તો રાહત મળી.

નારાજ હાર્દિક પટેલ પર કૉંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે નિવેદન આપ્યું છે કે મીડિયા સામે વાત મૂકવાથી નિરાકરણ નથી આવતું. ઉચિત પ્લેટફોર્મ હાઈકમાન્ડ છે. કામ નથી તો જનતા સામે જુઓ તો કામ મળી આવે છે. મને જાણ છે ત્યાં સુધી હાર્દિક પટેલે હાઈકમાન્ડ સાથે વાત કરી નથી. કામ જોઈતું હોય તો હાર્દિક જનતા સામે જુએ.

(9:26 pm IST)