ગુજરાત
News of Monday, 17th August 2020

છત્રાલ કસ્ટોડીયલ ડેથ:હાઇકોર્ટને 15 દિવસમાં રિપોર્ટ કરવા ચીફ મેટ્રોપોલિટન કોર્ટને આદેશ

સંસ્થાના વડા હોવા છતાં કેઝ્યુઅલ એપ્રોચ બતાવ્યો હોવાનું હાઇકોર્ટનું તારણ

 

અમદાવાદ: અમદાવાદની પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા ઉમંગ ઉર્ફે સોનુ બીપીનકુમાર છત્રલના ભાઈએ હાઇકોર્ટમાં કરેલી રીટ અરજી પરની સુનાવણીમાં હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ધોળકીયાએ હાઇકોર્ટના અગાઉના હુકમનું પાલન કરવા અને તપાસ શક્ય એટલી વહેલી પુરી કરી 15 દિવસમાં હાઇકોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેની સાથે એવું પણ તારણ કર્યું છે કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે તે સંસ્થાના વડા હોવા છતાં કેઝ્યુઅલ એપ્રોચ બતાવ્યો છે.

મરનાર ઉમંગનાં ભાઈ પ્રીતેશ બીપીનકુમાર છત્રાલે એડવોકેટ નિમિષ કાપડિયા અને જહાંનવી કાપડિયા મારફતે હાઇકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ અરજી કરીને એવી રજુઆત કરી હતી કે, 31-10-2016ના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી. તેની તપાસમાં 1-11-2016ના રોજ પ્રીતેશ અને ઉમંગને શાહીબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. અટક કરીને લઈ ગયા હતા. અને 2-11-2016ના રોજ તેમને અને તેમના ભાઈને સાંજે 7 કલાકે મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા હતા અને તેમને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.

ઉમંગને અટક કરવા માટેના પંચનામાંમાં તેમના શરીર પર કોઈ ઇજા કે બીમારી હોય તેવી નોંધ હતી. જેલમાં 3-11-2016ના રોજ ઉમંગની તબિયત બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. લાશનું પરીક્ષણ કરતા શરીર ઉપર મૃત્યુ પહેલાની 11થી વધુ ઇજાઓ હતી. આમ શાહીબાગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ( જેમાં પીએસઆઈ એમ.એલ. રાજપૂતનો સમાવેશ થાય છે.) ઉમંગ ને પોલીસ કસ્ટડીમાં મારપીટ કરીને મૃત્યુ નિપજાવ્યું હતું. અંગે 23/2/2017ના રોજ પ્રીતેશ છત્રાલે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ વિરુદ્ધ કેસ કર્યો હતો. જે 23/2/2017ના રોજ ફરિયાદીના માતૃશ્રીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હોવાથી સ્થગિત કરવાનો હુકમ કર્યો હતો. અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઓફિસરનો લેખિત રિપોર્ટ મંગાવવા જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ તે અંગે રિપોર્ટ કરી જણાવેલ કે કસ્ટડી મરણ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતમાં કામગીરી થઈ હતી. જે અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પૂર્વ ઇન્કવાયરી રિપોર્ટ મેટ્રો કોર્ટ . 21ની મોકલી આપ્યો હતો. પરંતુ તે રિપોર્ટની નકલ પ્રીતેશે કરેલી ફરિયાદમાં રજૂ થયેલ નહિ. અને તેથી 23/2/2017થી ફક્ત તારીખો પડી હતી. તે અંગે સેશન્સ કોર્ટના રજીસ્ટાર અને ચીફ મેટ્રો કોર્ટને અરજી કરવા છતાં પણ ઉપરોક્ત કેસ ઝડપથી ચાલતા પિટિશનમાં 5/3/2020ના રોજ જસ્ટિસ એસ.એચ. વોરાએ હાઇકોર્ટ રજીસ્ટ્રીને આદેશ કર્યો હતો કે, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની રિમાર્ક મંગાવવી અને આવો ગંભીર ગુનો થયો હોવા છતાં ક્રિમિનલ કોર્ટની ફરિયાદ ઝડપથી ના ચલાવવા અંગે તેમનો ખુલાસો મંગાવવા આદેશ કર્યો હતો. કેસની વધુ સુનાવણીમાં હાઇકોર્ટે ઉપરોકત હુકમ કર્યો હતો

(12:43 am IST)