ગુજરાત
News of Thursday, 17th September 2020

વલસાડમાં વધુ એક લૂંટનો ભેદ ગણતરીના દિવસમાં ઉકેલતી પોલીસ

વલસાડના પારનેરા ગામેથી લૂંટાયેલી અર્ટીગા કાર અને ચાર આરોપીઓને રૂરલ પીએસઆઇ ગોહિલની ટીમે પકડી પાડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ પારનેરા ગામે મુંબઇના સલૂન સંચાલક રીક્ષાચાલક અને તેના બે સાળાઓએ મળી એક અર્ટીગા કારની લૂંટ કરી હતી. આ લૂંટનો ભેદ પણ વલસાડ રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલની ટીમે ગણતરીના દિવસમાં ઉકેલી નાખ્યો છે તેમની ટીમે માત્ર લૂંટનો ભેદ જ નથી ઉકેલ્યો, સાથે કાર કબજે કરી હતી. તેમજ ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા.

વલસાડ નજીક હાઇવે પર પારનેરા ગામે મુંબઇથી ટ્રાવેલ્સની અર્ટીગા કાર ભાડે કરી આવેલા મૂળ યૂપી અને હાલ મુંબઇના બાન્દ્રામાં રહેતા આરોપીઓ નાહિદ ઉર્ફે ઇમરાન સાહિદ અન્સારી, ફરહાન અબ્દુલ કાદિર અન્સારી, ફૈઝાન નફીસ અન્સારી અને દાનિશ અજીજો રહેમાન ધોબીએ મળી સુરત જવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ ગત 11મીની રાત્રે મુંબઇથી અર્ટીગા કારમાં નિકળ્યા હતા અને મળસ્કે વલસાડ પહોંચ્યા હતા. ત્યારે વલસાડમાં ચા પીવા ઉતરેલા ચાલક સતિષ ગૌતમને માથામાં બાટલી મારી ગંભીર રીતે ઘાયલ કરી તેની કાર લૂંટી ચારેય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘાયલ સતિષે વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી ઘટનાની માહિતી આપતાં વલસાડ રૂરલ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી હાથ ધરી દીધી હતી. તેમજ તેના સંદેશા નવસારી પોલીસે પણ મોકલી આપ્યા હતા.
  આ ઘટના બાદ રૂરલ પોલીસે કારને નવસારી બોરિયાચ ટોલનાકા પરથી પકડી પાડી હતી. પોલીસનું ચેકિંગ વધતા આરોપીઓ કાર મુકી કામરેજ ભાગી ગયા હતા. આ ચારેય આરોપીઓને પણ વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ , ડીવાયએસપી એમ. એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોહિલ, મહિલા પીએસઆઇ એન. ટી. પુરાણી , એએસઆઇ હરપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ, સંજયભાઇ, જયેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ કમલેશ કુમાર, નિતિન, મયુરસિંહ વગેરેએ મળી ચારેય આરોપીઓને પકડી પાડી વધુ એક લૂંટના ગુનાને ઉકેલી કાઢ્યો હતો.

(1:06 pm IST)