ગુજરાત
News of Thursday, 17th September 2020

સિંહોને રેડિયો કોલર લગાવવુ ન જોઇએ, કારણ કે તેનાથી તેમનો વિકાસ અટકી જાય છેઃ શકિતસિંહ ગોહિલે રાજ્‍યસભામાં ગીર જંગલમાં સિંહોના મૃત્‍યુ દરનો મુદ્દો ઉઠાવ્‍યો

અમદાવાદ: ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુ દરને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ સરકાર સામે સાવજને બચાવવા અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરુવારે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના મોતનો મુદ્દો ઉપાડ્યો છે. તેઓએ માંગ કરી કે, સિંહોને રેડિયો કોલર લગાવવું ન જોઈએ. કેમ કે, તેનાથી તેમનો વિકાસ અટકી જાય છે. અનેક વાર સિંહોના આ કારણે અસમયે મોત પણ થઈ જાય છે.

શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામા કહ્યું કે, રેડિયો કોલરનું વજન 2.5 કિલો હોય છે. જેનો  ઉપયોગ સિંહો માટે કરવો ન જોઈએ. તેને બદલે અન્ય કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જોઈએ.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સમિતિના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી અત્યાર સુધી ગુજરાતમાં 92 એશિયાઈ સિંહોના મોત થયા છે.

તો બીજી તરફ, 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને 2015 થી 2020 દરમિયાન એશિયાઈ સિંહોની વસ્તીમાં 29 ટકાનો ઐતિહાસિક વધારો થયો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતનું પ્રખ્યાત ગીર નેશનલ પાર્ક રાજ્યના 8 જિલ્લા જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને જામનગર જિલ્લામાં ફેલાયેલો છે.

(4:27 pm IST)