ગુજરાત
News of Friday, 17th September 2021

સુરત ક્રાઇમ બ્રાન્ચે પીપલોદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા એમડી ડ્રગ્સના રેકેટનો કર્યો પર્દાફાશ : બે આરોપીઓની ધરપકડ

પીપલોદ વિસ્તારના મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં દરોડો : પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના પેકેટો બનાવીને ઓળખીતા કોલેજિયનોને સપ્લાય કરતાં હતા

સુરત ક્રાઇમ બ્રાન્ચે પીપલોદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા એમડી ડ્રગ્સના વેપલાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. જેમાં બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરીને બન્ને પાસેથી 11.40 ગ્રામ (જેની અંદાજિત કિંમત 1.17 લાખ)નો જથ્થો જપ્ત કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પીપલોદ વિસ્તારના મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં દરોડો પાડીને બે જણાંથી ધરપકડ કરી હતી.

પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સના પેકેટો બનાવીને ઓળખીતા કોલેજિયનોને સપ્લાય કરતાં હતા. આટલું જ નહીં, સારા ઘરના નબીરાઓ પણ સ્પામાં બેસીને ડ્રગ્સનો નશો કરતા હતા.

આ ગુનામાં આરોપીઓની ઓળખ ઉમાશંકર ઉર્ફે સંજય (મૂળ ઉત્તર પ્રદેશ) અને બીજાનું નામ રામચંદ્ર ઉર્ફે રામુ સ્વાઇલ(મૂળ ગંજામ જિલ્લો, ઓરિસ્સા) તરીકે થઈ છે. બન્ને આરોપીઓ પીપલોદ મંગલમ પાર્ક એપાર્ટમેન્ટમાં છેલ્લા 2 વર્ષથી ભાડે રહીને ડ્રગ્સનો વેપલો કરતા હતા.

ડ્રગ્સ માફિયાઓ શહેરના પોશ વિસ્તાર જેવા કે, સિટી લાઇટ, વેસુ, પીપલોદ અને VIP રોડ પર રહેતા નબીરાઓને એમડી ડ્રગ્સ સપ્લાય કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે, બન્ને એટલા ચાલાક હતા કે ઓળખીતા હોય અને તેમાં પણ પહેલા વેરિફાઇ કરી બાદમાં ડ્રગ્સની હોમ ડિલિવરી કરતા હતા અને તેઓ એક ગ્રામ ડ્રગ્સ માટે 3 થી 4 હજાર રૂપિયાની રકમ લેતા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર રામચંદ્ર અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મના ગુનામાં ઝડપાયો હતો. જો કે 2 વર્ષ પહેલા જ તે જામીન પર છૂટ્યો હતો. રામચંદ્ર રાહુલરાજ મોલમાં સ્પા ચલાવતો હતો અને હાલમાં પણ તે સ્પા ચલાવતો હોવાની વાત સામે આવી છે. રામચંદ્ર જ મુંબઈથી ડ્રગ્સ લાવતો હતો, જ્યારે ઉમાશંકર વર્મા એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા જતો હતો. હવે પોલીસે મુંબઈના ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

(11:33 pm IST)