ગુજરાત
News of Friday, 17th September 2021

બારડોલી પાલિકામાં કચરા કૌભાંડમાં ચીફ ઓફિસરની બેદરકારી : કાયદેસરની કાર્યવાહી કરવા ઠરાવ કરાયો

બદલી કરવા અંગે પ્રાદેશિક કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને ગુજરાત શહેરી વિકાસ વિભાગને લેખિત જાણ કરવા બાબતે ઠરાવ

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં કચરા કૌભાંડને લઈને ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા સામે ફરજમાં ગુનાહિત બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ બદલી કરવા અંગે પ્રાદેશિક કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અને ગુજરાત શહેરી વિકાસ વિભાગને લેખિત જાણ કરવા બાબતે ઠરાવ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

એટલું જ નહીં જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી રાજેશ ભટ્ટને ફરજ મોકૂફ કરવા અને કરાર આધારિત કર્મચારી નરેશ ભંડારીને છૂટા કરવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે કચરા કૌભાંડ આચરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા ગુરુવારના રોજ પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં મળી હતી. જેમાં એજન્ડાના કામોનું વાંચન કરવામાં આવ્યું હતું. વિવિધ વિકાસના કામોને મંજૂર કર્યા બાદ એજન્ડા નંબર 9 હેઠળ ચીફ ઓફિસરના પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સામાન્ય સભામાં થયેલી ચર્ચા મુજબ ચીફ ઓફિસરે પત્રના માધ્યમથી પોતાનું સૂચન રજૂ કરી માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા નગરપાલિકામાં ખોટા બિલો મૂકી પાલિકા સાથે છેતરપિંડી કરી છે આથી તેની સાથે કરાર રદ કરી તેને કાળી યાદીમાં મૂકવા અને નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા બાબતે સામાન્ય સભામાં કામ રજૂ કરવા સૂચન કર્યું હતું. જે પત્રને આધારે સામાન્ય સભામાં માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા આચરવામાં આવેલ આર્થિક ગેરરીતિઑ, ખોટા બિલો રજૂ કરવાના કૌભાડમાં જવાબદાર કર્મચારીઓ સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સેવા શિસ્તના નિયમો મુજબ નિયમોનુસાર કાયદાકીય જોગવાઈને ધ્યાનમાં લઈ જવાબદાર આરોગ્ય અધિકારી રાજેશ ભટ્ટ (ટીનાભાઈ)ને ફરજ મોકૂફ કરવા અને કરાર આધારિત કર્મચારી નરેશ ભંડારીને ફરજ પરથી છૂટા કરવાનો તારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માધવ એન્ટરપ્રાઇઝને તાત્કાલિક અસરથી કાળી યાદીમાં સમાવેશ કરવા માટે તેમજ નવી ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવા અંગે સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

એટલું જ નહીં કચરા પ્રકરણમાં ગેરરીતિઓ અને અનિયમિતતા, નાણાકીય ગેરરીતિઓ તેમજ તે અંગે જરૂરી માર્ગદર્શન આપવાની જવાબદારી મુખ્ય અધિકારીની હોવા છતાં બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ કોડ મુજબ નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું ન નથી તેમજ નિયમ 38 મુજબના નમૂના 15માં વૈધાનિક ચૂંટાયેલા પદાધિકારીઓની સહી લેવાની નહીં હોવા છતાં સહી લેવામાં આવતા બદઈરાદા પૂર્વકની ભૂલ કરી હોવાનું અમે આવ્યું છે. જેનાથી બારડોલી નગરપાલિકાની જાહેર પ્રતિષ્ઠાને મસમોટું નુકસાન થયું છે આથી ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે, ચીફ ઓફિસર વિરુદ્ધ કાયદેસરના શિક્ષાત્મક પગલાં લેવા મટે તેમજ તાકીદે બદલી કરવા માટે રિજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ, દક્ષિણ ગુજરાત ઝોન તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગને લેખિતમાં જાણ કરવાનનો ઠરાવ કરવામાં આવતા સમગ્ર નગરપાલિકા પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

બારડોલી નગરપાલિકાએ કચરા કૌભાંડ અંગે બોલાવેલી ખાસ સામાન્ય સભા તપાસ સમિતિ બાદ તેનો રિપોર્ટ સામાન્ય સભામાં રજૂ કર્યો હતો. જેમાં પાલિકાના કર્મચારીઓને પહેલી વખત ભૂલ કરી હોય માફ કરવામાં આવ્યા હતા અને માધવ એન્ટરપ્રાઇઝના ઇજારદારને નોટિસ પાઠવી રિકવરી લેવા અને બીજીવાર ભૂલ ન થાય તે અંગે બાહેંધરી લેવામાં આવી હતી. જો કે આજની સામાન્ય સભામાં શાસકોએ કડક રૂખ અખત્યાર કરી અચાનક લેવામાં આવેલા નિર્ણયથી કર્મચારી અને અધિકારી ગણ પર સ્તબ્ધ થઈ ગયો હતો.

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં EWS પ્લોટને સાંસ્કૃતિક હેતુ માટે ફેરવવાના એજન્ડાની ચર્ચા મોકૂફ રાખી આવતી સામાન્ય સભામાં તેના પર ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. EWS પ્લોટને લઈને વિવાદ થવાની સંભાવના હતી. જેથી અગમચેતીના ભાગ રૂપે હાલ આ મુદ્દે ચર્ચા કરવાનું માંડી વાળવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત સામાન્ય સભામાં શહેરમાં આવેલા વિવિધ સર્કલ રિનોવેશન, અલગ અલગ રસ્તાઓ પર ડિવાઇડર બ્યુટીફીકેશન, વૃક્ષારોપણ સહિતના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. શાસ્ત્રી રોડ પર તમામ વીજપોલ બદલવાનો ઠરાવ, સ્ટેશન ટાંકીને તોડી નવી ટાંકી બનાવવા તેમજ સ્ટેશન જકાતનાકા અને લીમડા ચોક જકાતનકાને તોડી દુકાનો બનાવવાના કામને બહાલી આપવામાં આવી હતી. આંબેડકર અને હેડગોવર સર્કલને તોડી નવા બનાવવામાં સહિત અન્ય વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

(9:17 am IST)