ગુજરાત
News of Friday, 17th September 2021

કોઈ મંત્રી મને નહીં પૂછે તો હું સામા પગલે કોઈને સલાહ આપવા જવાનો નથી : નીતિનભાઈ પટેલ

મંત્રી મંડળમાં નવા કયા મંત્રીઓને લેવા એમાં કોઈ ચિત્રમાં હું આવ્યો નથી, પાર્ટીએ પણ મને પૂછ્યું નહોતું

અમદાવાદ :ગુજરાતમાં જ્યારથી રૂપાણી સરકારે રાજીનામું આપી દીધું છે ત્યારથી લઈ ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી અને હવે મંત્રીમંડળને ફળવાયેલા ખાતા સુધી સતત રાજકારણમાં ગરમાવો આવતો જ ગયો છે.સૌથી વધુ ચર્ચિત નીતિનભાઈ  પટેલની નારાજગી રહી હતી

કોઈ કહી રહ્યું હતુ કે તે શંકરસિંહ વાઘેલાને મળ્યા છે તો કોઈ કહી રહ્યું હતું તેમણે રાજ્યપાલની ઓફર કરાઇ છે. સમગ્ર વાત વચ્ચે મંત્રીમંડળની ખાતા ફાળવણી બાદ નીતિનભાઈ પટેલે તમામ વાતો દિલ ખોલી કરી હતી, તેમણે પ્રધાનમંત્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો એક બનાવ ખાસ કરીને ટાંક્યો હતો અને કહ્યું હતું કે હું આત્મારામ ભાઈ માટે તે વખતે મારુ મંત્રી પદ છોડવા તૈયાર થઈ ગયો હતો. હાલ પણ ભાજપ પાર્ટી માટે જે પણ યોગ્ય હશે તે કરવા માટે તૈયાર છું. 
ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ બાદ ખાતાની ફાળવણી પણ થઈ ગઈ છે.ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલેકહ્યું હતુ કે હું અફવાઓ ફેલાવનાર પત્રકારોને વખોડી નાંખું છું, કેટલાક વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાનું મન થયું હતું પરંતુ લોકોએ મને કહ્યું આવા લોકોને ઈગનોર કરવા જોઈએ એટલે મેં વાતોને જતી કરી,

આ સાથે રાજ્યપાલ બનવા મુદ્દે નીતિનભાઈ  પટેલે કહ્યું હું મહેસાણાનો ધારાસભ્ય છું, કડી મારુ વતન છે, પાટીદાર આંદોલન વખતે પણ હું ચૂંટાયો, હું ક્યાંય જવાનો નથી, 18 વર્ષથી ઉંમરથી માંડી આજે 67 વર્ષનો થયો, જ્યારે રાજપા બન્યું ત્યારે આત્મારામ કાકા માટે મેં મંત્રીપદ છોડી દીધું હતું. હું તો 1996-97માં રાજીનામું આપવાની વાત કરવાનો માણસ છું, હું તો ભોગ આપવાવાળો જ છું

ગુજરાતના મંત્રીઑ પર પૂછવામાં આવેલા સવાલનો પણ તેમણે બહુ જ ચતુરાઇ પૂર્વક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે યુવા મિત્રોને મોટી જવાબદારી અપાઈ છે. જોઈ શીખી ગુજરાતની જનતા માટે સારા નિર્ણય લે.મંત્રી મંડળમાં નવા કયા મંત્રીઓને લેવા એમાં કોઈ ચિત્રમાં હું આવ્યો નથી, પાર્ટીએ પણ મને પૂછ્યું નહોતું કે તમને કોઈ મંત્રી બનાવવો છે કે નહીં, ખાતા વહેંચાયા ત્યારે પણ ન પૂછાયું પણ મને કોઈ રસ પણ નથી. 
હું કોઈ એ પ્રકારનો માણસ નથી કે વગર પૂછે કોઈને સલાહ આપું, મને કોઈ પૂછે તો બધુ જ કરવા તૈયાર છું, કોઈ મંત્રી મને નહીં પૂછે તો હું સામા પગલે કોઈને સલાહ આપવા જવાનો નથી આ સાથે અત્યાર સુધી નીતિનભાઈ  પટેલ વિશે ચાલેલી બધી જ અફવાઓનો વીટીવી સમક્ષ તેમણે ખુલાસો કર્યો છે. અને ભાજપથી કોઈ નારાજગી ન હોવાની ખુલા દિલથી વાત કરી છે.

(12:00 am IST)