ગુજરાત
News of Friday, 17th September 2021

રાજયમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ : રવિ-સોમથી ફરી વરસાદનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૧૭ : ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે બાદમાં એટલે કે આગામી ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરથી રાજયમાં ફરીથી વરસાદનું જોર વધશે. આ બંને દિવસ દરમિયાન રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ ૭૨.૮૬ ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ૧૭ અને ૧૮ તારીખના રોજ રાજયમાં વરસાદી માહોલ રહેશે. ૧૯ અને ૨૦ તારીખથી રાજયમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે.

ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ ૭૨.૮૬% વરસાદ પડ્યો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી ૭૫.૦૨% સરેરાશ વરસાદ પડ્યો છે. વિસ્તારમાં કુલ ૩૩૧.૮૦ મી.મી. વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૪૦૬.૬૯ મી.મી. વરસાદ સાથે સરેરાશ ૫૬.૭૬% વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૯૯.૨૩ મી.મી. વરસાદ સાથે અત્યારસુધી સરેરાશ ૬૧.૯૨% વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો ૬૦૨.૯૫ મી.મી. વરસાદ સાથે સરેરાશ ૮૬.૦૬% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં સિઝનનો કુલ ૬૦૨.૯૫ મી.મી. વરસાદ પડ્યો છે. જેની સરેરાશ ટકાવારી ૭૩.૪૧% થાય છે. આ રીતે ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ ૭૨.૮૬ ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે.

(4:05 pm IST)