ગુજરાત
News of Friday, 17th September 2021

સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્રમજીવી યુવાનને આવાસ યોજનામાં ઓળખાણથી મકાન આપવાના બહાને ભેજાબાજે 1.58 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા શ્રમજીવી યુવાનને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓળખાણથી મકાન અપાવવાના બહાને બે ભેજાબાજે રૂ.1.58 લાખ પડાવી લીધાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભેસ્તાન જીયાવ રોડ પ્રિયંકા સીટી ગોલ્ડ ઘર નં.121 માં રહેતા 34 વર્ષીય જીતેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ખત્રી ભેસ્તાન ગુરુકૃપા સોસાયટી ખાતા નં.18માં વોરપિંગ મશીન ચલાવવાની નોકરી કરે છે. ગત 29 મે ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક મહિલાએ ફોન કરી કહ્યું હતું કે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન લેવા માંગતા હોય તો અમારી ઓફિસ પર આવી ફોર્મ ભરી દેજો. અમારી ઓફિસનું સરનામું દુકાન નં.413, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, ઉધના દરવાજા, રીંગરોડ છે. આથી જીતેન્દ્રભાઈ 1 જૂનના રોજ તે સરનામે મળવા જતા ત્યાં હાજર મહિલાએ સરફરાઝ સાથે મુલાકાત કરાવી હતી. સરફરાઝે તમે ઓફિસ પર ફોર્મ ભરી દો, અમારા સાહેબ નીલકેશ કૃષ્ણકાંત દેસાઈની સારી ઓળખાણ છે, જેથી ડ્રોમાં તમને મકાન અપાવી દઈશું અને તમારે ફી તથા ડિપોઝીટ પેટે હાલ રૂ.30 હજાર ભરવાના થશે. બાકીના જે રૂપિયા ભરવાના થશે તે પછી કહીશું.

જીતેન્દ્રભાઈએ વધુ ખરાઈ કર્યા વિના ત્યાં ફોર્મ ભરી રૂ.30 હજાર પણ જમા કરાવ્યા હતા. ત્યાર બાદ 20 જૂને સરફરાઝે ફોન કરી ડ્રો થવાનો છે કહી બીજા રૂ.70 હજાર ભરાવ્યા હતા. સરફરાઝે બે મહિનામાં મકાનની કબજા પાવતી લેવા કહ્યું હોય જીતેન્દ્રભાઈ 7 જુલાઈના રોજ તેની સાથે વાત કરી તેમની નવી ઓફિસ નં.302, મહાન ટેરેસ ભૂલકા, ભવન સ્કૂલની સામે, અડાજણ ગયા ત્યારે સરફરાઝે સુરત મહાનગરપાલિકાના લેટરપેડ વાળી કબજા પાવતી આપી હતી. તેમાં ભેદવાડ ડિંડોલીના સુમન કેશવ આવાસના મકાનની વિગતો હતી.બે ત્રણ દિવસ બાદ ફરી સરફરાઝે ફોન ક્રરતા જીતેન્દ્રભાઈએ સ્ટેમ્પ ડયુટીના રૂ.30 હજાર તેની ઓફિસે રોકડા ભરતા તેનું ફોર્મ સરફરાઝે વ્હોટ્સએપ પર જીતેન્દ્રભાઈને મોકલ્યું હતું. ફરી બે ત્રણ દિવસ બાદ સરફરાઝે ફોન કરી જીતેન્દ્રભાઈને ઓફિસે બોલાવી પ્રોસેસ ફી ના રૂ.28 હજાર ભરાવ્યા હતા.

(6:18 pm IST)