ગુજરાત
News of Friday, 17th September 2021

વડાપ્રધાન મોદીના જન્મદિવસે બનાસ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સદસ્યોએ અંગદાનની પ્રતિજ્ઞા લીધી

વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં અંગદાનનુ મહત્વ વધે તે માટે આ સામૂહિક નિર્ણય લેવાયો

અમદાવાદ : વડાપ્રધાન મોદીના 71મા જન્મ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જે અંતર્ગત આજે બનાસ મેડીકલ કોલેજ ખાતે પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૂપે આજે મેડિકલ કોલેજના 300 વિદ્યાર્થી તેમજ 150 જેટલા સ્ટાફ સદસ્યોએ પોતાના મૃત્યુ બાદ દેહના અંગોનું દાન કરવા માટેની પ્રતિજ્ઞા કરી અને અંગદાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસની ભાજપના કાર્યકરો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. બનાસ મેડિકલ કોલેજ વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 150 જેટલા સ્ટાફ દ્વારા પોતાના મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મેડિકલ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં અંગદાનનુ મહત્વ વધે તે માટે આ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીમાં મેડિકલ કોલેજના અધ્યાપકો, સ્ટાફ, બનાસ ડેરી નિયામક મંડળના સભ્યો તેમજ બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી જે ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આધુનિક સમયમાં અંગદાન સૌથી મોટું દાન છે. અનેક એવા લોકો છે કે જેઓ અકસ્માતના ભોગ બનતાં તેમને તાત્કાલિક કેટલાક અંગોની જરૂર પડતી હોય છે. આ કટોકટીના સમયમાં વ્યક્તિએ અંગદાન કરેલા અંગો કોઈપણ વ્યક્તિને નવું જીવન આપે છે.

(8:46 pm IST)