ગુજરાત
News of Friday, 17th September 2021

ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષના ઇતિહાસમાં નાની વયે મંત્રીપદ મેળવનારા અનેક નેતાઓ : જાણો રસપ્રદ વિગતો

30 વર્ષની વયે વિપુલ ચૌધરી તત્કાલિન રાજય કક્ષાના ગૃહ મંત્રી બન્યા

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની સરકારના નવા મંત્રીમંડળની ગઇકાલે તા.16મી સપ્ટેમ્બરના રોજ રચના થઇ હતી. આ મંત્રીમંડળની વિશેષતા જોઇએ તો ત્રણ અનુભવી નેતાઓ સિવાય 21 નવા ચહેરાઓને પ્રથમ વખત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રીની ગણતરી કરીએ તો આ સંખ્યા 22ની થાય છે. તેમાંય વળી આ મંત્રી મંડળમાં યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને રાજયની સૌથી મોટી ગૃહ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. 36 વર્ષીય હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ આખાય મંત્રીમંડળમાં સૌથી નાની વયના મંત્રી બન્યા છે. તેમને ગૃહની સાથે રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગો પણ સોંપવામાં આવ્યા છે.

ગુજરાતના મંત્રીઓમાં નાની વયે મંત્રી કોણ કોણ બન્યા હતા તેનો છેલ્લાં 30 વર્ષનો ઇતિહાસ તપાસીએ તો ચાર મંત્રીઓ નાની વયે મંત્રી પદ મેળવ્યું હતું. જેમાં વિપુલ ચૌધરી, નરેશ રાવલ તથા નરહરિ અમીન જે હાલમાં ભાજપના રાજયસભાના સાંસદ છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહનો સમાવેશ થાય છે. તેઓને પણ નાની વયે જ રાજયકક્ષાના ગૃહમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની 1996માં સરકાર હતી. આ સરકારમાં તત્કાલિન મંત્રી વિપુલ ચૌધરીને રાજયકક્ષાના ગૃહમંત્રી અને ઉર્જા વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. 1લી નવેમ્બર-1966માં જન્મેલા વિપુલભાઇની 1996માં 30 વર્ષની વય હતી. એટલે કે 30 વર્ષની વયે રાજયકક્ષાના ગૃહમંત્રી પદે બિરાજયા હતા. તે જ રીતે તત્કાલિન મંત્રી નરેશ રાવલ સને 1990માં માધવસિંહ સોંલકીની સરકારમાં સંસદીય સચિવ તરીકે નિમણૂંક પામ્યા હતા. 11 નવેમ્બર-1959માં જન્મેલા નરેશભાઇ ત્યારે 31 વર્ષના હતા. ત્યારપછી 1991માં ચીમનભાઇની સરકારમાં 34 વર્ષની ઉંમરે ઉદ્યોગ મંત્રી અને 35 વર્ષની વયે રાજયકક્ષાના ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.

આ સિવાય પણ તેમનો બીજો એક રેકોર્ડ પણ છે. ધારાસભ્યની ચૂંટણી 25 વર્ષે લડી શકાય તેવો નિયમ છે. તેઓ 1985માં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમની ઉંમર 25 વર્ષ અને 10 દિવસ હતી. તેઓએ આત્મારામ કાકાને હરાવીને જીત મેળવી હતી. પરંતુ તેમની ઉંમરને લઇને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી મામલો ગયો હતો. આમ નાની વયે ગુજરાતમાં ધારાસભ્ય થવાનો કદાચ નરેશભાઇના નામે જ રેકોર્ડ હશે.

આ ઉપરાંત ભાજપના હાલના રાજયસભાના સાંસદ નરહરિ અમીન 5-6-1955ની જન્મ તારીખ છે. તેમને 1990માં ચીમનભાઇની સરકારમાં 35 વર્ષની વયે રાજયકક્ષાના ગૃહમંત્રી, રમતગમત તથા યુવક સેવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓના મંત્રી તરીકે જવાબદારી સોંપી હતી. ત્યારબાદ ભાજપથી વિખૂટા પડીને કોંગ્રેસના ટેકાથી ચીમનભાઇ પટેલે 1991માં નવી સરકારની રચના કરી હતી. તેમાં નરહરિભાઇ શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ સહિતના વિભાગોના મંત્રી બન્યા હતા. ચીમનભાઇના અવસાન બાદ છબીલદાસની સરકારમાં નરહરિ અમીન તથા સી.ડી. પટેલને નાયબ મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું હતું. હાલ જો કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે.

આ ઉપરાંત શાહપુરના કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય સ્વ. જીતુભાઇ શાહ પણ ગૃહમંત્રી તરીકે રહ્યા હતા. તેઓ પણ નાની વયે રાજયકક્ષાના ગૃહમંત્રી બન્યા હોવાની હકીકત જાણવા મળી હતી. પરંતુ તેમનું અવસાન થયું હોવાથી તેમની મંત્રી સમયની ઉંમર જાણવા માટે વિદેશ સ્થિત તેમના પુત્ર વરૂણ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

આ ઉપરાંત હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ  શાહ પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈ  મોદીની સરકારમાં રાજયકક્ષાના ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું. 22-10-1964માં જન્મેલા અમીત શાહ સને 2002માં નરેન્દ્ર ભાઈ  મોદીની સરકાર વખતે 38 વર્ષની વય હતી.

(8:50 pm IST)