ગુજરાત
News of Tuesday, 17th May 2022

કંડલા બંદર પર એક લાખ મેટ્રીક ટન ઘઉં અટવાયા :નિકાસકારોને છુટછાટની આશા

દેશમાં અચાનક નિકાસ બંધ કરી દેવાતા ઠેરઠેરથી સરકાર પાસે છુટછાટની માંગ ઉઠી

અમદાવાદ :કેન્દ્ર સરકાર દ્રારા અચાનક ઘઉંની  નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાતા ભારે મુશ્કેલી સર્જાઇ છે ખાસ કરીને દેશમાં જ્યાથી ઘઉંની મોટી નિકાસ થાય છે તેવા કચ્છના કંડલા બંદર પર અચાનક નિકાશ અટકાવી દેવાતા નિકાશ સાથે સંકડાયેલા તમામ લોકો ચિંતાતુર બન્યા છે. એક અંદાજ મુજબ કંડલા બંદર નિકાશ અટકી જતા એક લાખ મેટ્રીક ટન ઘઉંનો જથ્થો ભરાઇ ગયો છે હવે તેવામાં માલ સામાન રાખવાની યોગ્ય વ્યવસ્થાનો અભાવ અને અચાનક નિર્ણયથી મોટા નુકશાનની ચિંતા સાથે ટ્રેડર,નિકાસકાર અને તેને સંલગ્ન તમામ લોકો નિકાશમાં સરકાર થોડી છુટછાટ આપે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. દેશભરમાંથી આવેલા હજારો ટ્રકોના પૈડા કંડલા નજીક થંભી ગયા છે. ગઇકાલે ટ્રક ચાલકોએ વિરોધ કર્યા બાદ તેમના માટે પોર્ટ તથા અન્ય સામાજીક- ઔધોગિક સંસ્થાઓ મદદે આવી છે અને ખાવા-પીવા સહિત જરૂરી વ્યવસ્થા કરવા કટ્ટીબધ્ધતા દર્શાવી છે.

સમગ્ર દેશમાં અચાનક નિકાસ બંધ કરી દેવાતા ઠેરઠેરથી સરકાર પાસે છુટછાટની માંગ ઉઠી રહી છે તે વચ્ચે નિકાસ. ના નિયમો થોડા હળવા કરી 13 મે પહેલા જેને નિકાશ પરવાનગી લીધી હશે તેને છુટછાટ માટે સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ હજુ પણ કંડલા બંદરે 4 જહાજો અટકેલા છે અને 1 લાખ મેટ્રીક ટન ઘઉંના નિકાશની આશાએ ઉભી છે 5 દિવસથી અટકેલા જહાજ પૈકી આજે ઇજીપ્ત જઇ રહેલા એક જહાજમાં લોડીંગ શરૂ કરાયુ છે. તેવામાં જો સરકાર કોઇ યોગ્ય નિર્ણય નહી કરે તો મોટુ નુકશાન જાય તેવી દહેશત છે. કેમકે આટલો મોટો જથ્થો રાખવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જો વરસાદ આવે તો મોટુ નુકશાન જાય તેમ છે. તો વળી સંપુર્ણ ગોઠવાયેલા માળખા વચ્ચે નિકાસ બંધ કરી દેવાતા તેની સાથે સંલગ્ન અનેક લોકો માટે મુશ્કેલી સર્જાઇ છે. એકમાત્ર કંડલા દિનદયાળ પોર્ટ પર 1 લાખ ટનથી વધુનો જથ્થો પડ્યો છે. જે અટકશે તો કરોડોનુ નુકશાન જશે તેવી ચિંતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વ્યક્ત કરી છે.

 

દેશના ઉત્પાદનનો મોટો હિસ્સો કંડલા દિનદયાળ પોર્ટ પરથી નિકાસ થાય છે તેવામાં દેશભરમાંથી ઘઉનો જથ્થો નિકાસ  થવા માટે કચ્છ આવી ગયો છે પરંતુ સરકારે નિકાસ જ બંધ કરી દેવાના કરેલા નિર્ણયથી મોટી મુશ્કેલી સર્જાઇ છે. એક તરફ .હજારો ટ્રક ડ્રાઇવરો અને તેને સલંગ્ન લોકો કંડલામાં કોઇ યોગ્ય નિર્ણયમાં અભાવે અટકી ગયા બાદ પોર્ટ તથા ગાંધીધામ ચેમ્બર અને અન્ય સામાજીક સંસ્થાઓ મંજુરોની મદદે આવ્યા છે અને તેમના માટે જરૂરી વ્યવસ્થાની તૈયારીમાં વ્યસ્ત છે તે વચ્ચે પોર્ટ દ્રારા કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે સતત સંપર્ક કરી આ મુદ્દો ઉકેલાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.

આજે ટ્રેડ યુનીયન સહિત વિવિધ વિભાગો સાથે બેઠકો યોજી તેમની માંગણી સરકાર સુધી પહોચાડવાના પ્રયત્નો સાથે નિકાશ અટકી જવાના કિસ્સામાં શુ કરવુ તે તમામ બાબતો પર ચર્ચાઓ અને બેઠકો કરાઇ હતી સાથે અટકી ગયેલા કામદારો માટે પોર્ટે જરૂરી વ્યવસ્થા માટે પણ આયામ શરૂ કર્યો છે. કંડલા પોર્ટના પબ્લીક રીલેશન ઓફીસર ઓમપ્રકાશ દાદલાણીએ સમસ્યાના ઉકેલની આશા વ્યક્ત કરી હતી.

જેમાં અંદાજીત 3000 થી વધુ ટ્રક અને 4000થી વધુ ડ્રાઇવરો અને ક્લીનરો હાલ સરકારના નિર્ણયને લઇને કંડલામાં મુશ્કેલી વચ્ચે અટવાયા છે. તો બીજી તરફ નિકાસકારો પણ પ્રક્રિયા ધીમી થતા મોટા નુકશાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સરકાર નિકાસને લઇને કોઇ મહત્વનો નિર્ણય કરે તેના પર સૌની મીટ મંડાઇ છે. હાલ કામદારો માટે અલગ-અલગ સંસ્થા અને પોર્ટ મદદે આવ્યા છે.તો મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટી દ્રારા વધુ જહાજોને નિકાસ માટે છુટછાટ અપાઇ શકે છે.

(12:52 am IST)