ગુજરાત
News of Wednesday, 18th May 2022

ભાજપ સરકારની ખોટી નીતિઓને કારણે છેલ્લા ૧ વર્ષમાં ૨ લાખ બાળકો કુપોષિત થયા : ઇસુદાન ગઢવી

ગુજરાતમાં ૩,૮૪,૦૦૦ બાળકો કુપોષિત છેઃ ગુજરાતમાં કુપોષિત બાળકોના આંકડા ગુજરાત સરકારનું ભયાનક ચિત્ર દર્શાવે છે : સી.આર. પાટીલે પોતે ભાજપની નિષ્‍ફળતા સ્‍વીકારી છે : કુપોષિત બાળકોની યાદીમાં ગુજરાત ટોચ પર છે : કુપોષણ ખતમ કરવા માટે સરકારે કોઈ કામગીરી કરી નથી : કુપોષણ મુદ્દે ગુજરાતની જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશે

હોદ્દેદારો કેટલાક કુપોષિત બાળકોને દત્તક લેશે તેવા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલના નિવેદન અંગે જવાબ આપતા આમ આદમી પાર્ટીના નેતા

રાજકોટ તા.૧૮: આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ એક વીડિયો દ્વારા મીડિયાને સંબોધતા જણાવ્‍યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક વીડિયોમાં જણાવ્‍યું હતું કે ભાજપના હોદ્દેદારો કેટલાક કુપોષિત બાળકોને દત્તક લેશે. પરંતુ ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં ૩,૮૪,૦૦૦ જેટલા કુપોષિત બાળકો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે મુજબ, ૬ મહિનાથી ૨૩ મહિનાની વચ્‍ચેના ૮૯ ટકા બાળકોને યોગ્‍ય માત્રામાં ખોરાક મળતો નથી. અને સમગ્ર ભારતમાં સૌથી ખરાબ હાલત ગુજરાતના બાળકોની છે.

તેમણે પોતે સ્‍વીકાર્યું છે કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. અન સી.આર.પાટીલ અમુક બાળકોને દત્તક લેવાની વાત કરે છે પણ બાકીનાનું શું?આજ સુધી ગુજરાતમાં ભાજપ સરકાર એવી કોઈ વ્‍યવસ્‍થા નથી કરી જેના દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવામાં આવે.

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ વધુમા જણાવ્‍યું છે કે,મારે સી.આર.પાટીલ જી ને પૂછવું છે, શું તમે કોઈ ગામમાં એક રાત રોકાયા છો? બનાસકાંઠા જેવા જિલ્લામાં ૨૬૦૦૦ થી વધુ બાળકો કુપોષિત છે. તે માત્ર એક જિલ્લાની વાત છે. તો કલ્‍પના કરો કે આખા ગુજરાતમાં કેટલા બાળકો કુપોષિત હશે.

શું કોઈ સરકારે ક્‍યારેય આ કુપોષિત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો વિચાર કર્યો છે? કુપોષિત બાળકોને કેવો ખોરાક આપવો જોઈએ અને આ માટે કેટલું બજેટ નક્કી કરવું જોઈએ, શું આ બધા વિશે ભાજપ સરકારે ક્‍યારેય વિચાર્યું છે?

આજે સી.આર.પાટીલજી એ પોતે સ્‍વીકાર્યું કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્‍યા ઘણી વધારે છે અને તે આપણા શાસનમાં થયું છે. સી.આર. પાટીલજીએ સ્‍વીકાર્યું કે હવે અમે આ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી શકતા નથી.

હવે સમય આવી ગયો છે કે ગુજરાતની જનતા ભાજપને જવાબ આપે.કુપોષિત બાળકો કુપોષણમાંથી બહાર આવી શકે તે માટે છેલ્લા ૨૭ વર્ષમાં ભાજપ સરકારે એવું કોઈ કામ કર્યું નથી. કુપોષિત બાળકો ઘટવાને બદલે વધ્‍યા છે. છેલ્લા એક વર્ષમાં ૨ લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્‍યા છે.તેમ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ અંતમાં જણાવ્‍યું હતું.

(11:47 am IST)