ગુજરાત
News of Wednesday, 18th May 2022

જ્ઞાનવાપી વિવાદ પર પૂ. મોરારીબાપુનું નિવેદનઃ જે સત્‍ય હશે તે બહાર આવશે, ઇતિહાસને બદલી ન શકાય

મુસ્‍લિમોને નમાઝ પઢવામાં કોઇ મુશ્‍કેલી ન થવી જોઇએઃ સર્વોચ્‍ચ અદાલત

અમદાવાદઃ જ્ઞાનવાપી મસ્‍જિદ મામલે સમગ્ર દેશમાં વિવાદ શરૂ થતા સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્‍યો છે, જે સ્‍થળ પર શિવલિંગ મળ્‍યુ તેને સીલ કરી સુરક્ષા વધારવી તથા મુસ્‍લિમોને નમાઝ પઢવામાં કોઇ મુશ્‍કેલી ન આવવી જોઇએ. આ સંદર્ભે પૂ. મોરારીબાપુએ કહ્યુ કે, સત્‍ય હશે તે બહાર આવશે, ઇતિહાસને કોઇ બદલી ન શકે.

જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ હાલ સમગ્ર દેશમાં પેચીદો બન્યો છે. ત્યારે જ્ઞાનવાપી મામલે જાણીતા કથાવાચક મોરારીબાપુનું આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મોરારીબાપુએ જણાવ્યું છે કે અખબારમાં મેં જે વાંચ્યું છે, હાલ જે થઈ રહ્યું છે, એનો અભ્યાસ કરી રહ્યો છું. જ્ઞાનવાપી મસ્જિદનો મામલો કોર્ટમાં છે. જે નિર્ણય આવશે તે જોઈશું. પરંતુ હા સત્ય ચોક્કસ બહાર આવશે.

મોરારીબાપુએ ઉમેર્યું હતું કે, જ્યાં પણ આવું થયું છે ત્યાં જે સત્ય હશે એ બહાર આવશે. સુરજ છુપ્યો નહીં રહે. ઇતિહાસ ગવાહ છે, જે પ્રસિદ્ધ વાત છે, જે થયું છે તે સૌ કોઈ જાણે છે. ઇતિહાસ કોઈ બદલી ન શકે. સત્ય જ સત્ય રહેશે એ જલ્દી બહાર આવશે. સત્ય બહાર આવશે એનાથી સૌ કોઈને ખુશી મળવી જોઈએ. આગામી બે દિવસમાં બધું સ્પષ્ટ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તેને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. સર્વોચ્ચ કોર્ટે જિલ્લા તંત્રને આદેશ આપતા કહ્યું કે, શિવલિંગવાળા સ્થાનને સુરક્ષા આપવામાં આવે, પરંતુ તેના કારણે નમાઝમાં મુશ્કેલી ન આવવી જોઈએ.

આ સાથે સર્વોચ્ચ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરૂવારની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું- આગામી સુનાવણી માટે અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે શિવલિંગ મળનાર સ્થાનની સુરક્ષા કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ.

આ સાથે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે આ કેસમાં નિચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેવામાં જિલ્લા અદાલતના ચુકાદાની રાહ જોવી જોઈએ. આ દરમિયાન યૂપી સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ કે, યુપી સરકારને કેટલાક મુદ્દા પર તેમની સહાયતાની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટ તરફથી સર્વે કરાવવાના આદેશને પડકાર્યો, જે હેઠળ પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

(5:38 pm IST)