ગુજરાત
News of Wednesday, 18th May 2022

ગાંધીનગરમાં શાળાઓની નજીક સિગારેટનું વેચાણ કરનાર શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા લોકોની માંગ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા જે લારી- ગલ્લાઓ બીડી- સિગારેટ, ગુટખા કે અન્ય તમાકુની ચીજવસ્તુઓનું વિતરણ કરતાં હોય તેવા લારી ગલ્લાઓને દૂર કરવામાં આવે, તેવી સૂચના આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટરે તમાકુ નિયંત્રણ અમલીકરણની બેઠકમાં સંબંધિત અધિકારીઓને આપી હતી.

આ બેઠકના આરંભે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો આ પ્રકારનું વ્યસન ન કરતા થાય તેની તકેદારી રાખવી ખૂબ જરૃરી છે. આ માટે ગાંધીનગર જિલ્લાની શાળાઓથી ૧૦૦ મીટર ત્રિજયામાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વિતરણ ન થાય તેની ખાસ ધ્યાન રાખવાની સૂચના પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી. 

આ બેઠકમાં તમાકુ નિયંત્રણ અમલીકરણ અધિકારી ડો. મુકેશ પટેલે તમાકું નિયંત્રણ અંગેની કામગીરી માટેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, એપ્રિલ માસ દરમ્યાન કુલ ૪૧ ગામોની ૬૦ શાળાઓની મુલાકાત કરવામાં આવી છે. તેમણે માહિતી આપતાં ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ૪૧ ગામોમાં ૪૯ લારી- ગલ્લાઓ શાળાઓથી ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા હતા. જેમાંથી તમાકુ ઉત્પાદિત ચીજ વસ્તુઓ વેચતા ૨૩ લારી- ગલ્લાઓને નોટિસ આપવામાં આવી હતી અને કુલ રૃપિયા ૪, ૯૫૨ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં દહેગામ તાલુકામાંથી ૧,૨૦૦, ગાંધીનગર તાલુકામાંથી આઠસો, માણસા તાલુકામાંથી ૨,૩૨૩ અને કલોલ તાલુકામાંથી રૃપિયા ૬૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. 

(6:31 pm IST)