ગુજરાત
News of Friday, 18th June 2021

ખેડૂત ઍકતા મંચની માંગણી રાજ્ય સરકારે સ્વીકારીઃ કોરોના અને વાવાઝોડાના કારણે ધિરાણ અને મુદ્દત ધિરાણ ઍક વર્ષ માટે લંબાવાયુ

ગાંધીનગર: ગુજરાતમાં વર્ષે કોરોના બાદ તોકતે વાવાઝોડાંના કારણે બંને સીઝનોની આવક ખેડૂતોને ખોવાનો વારો આવ્યો છે. જેથી તેઓ પાયમાલીને આરે આવીને ઊભાં છે ત્યારે સરકારે ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણ અને મુદતી ધિરાણ એક વર્ષ માટે લંબાવી આપવામાં આવે તેવી માંગણી ખેડૂત એકતા મંચ દ્રારા કરવામાં આવી છે.

ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કુષિ મંત્રી આર.સી. ફળદુ સહિતના સત્તાધીશો સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ખેડૂતોની 2021ની શિયાળુ ઉપજ વેચવાનો સમય આવ્યો ત્યારે કોરોનાના બીજા વેવને કારણે ખેત ઉપજોના બજારભાવો નીચા રહ્યા હતા. એટલું નહીં પરંતુ એપીએમસી પણ બંધ રહ્યા હતા. અધુરામાં પુરું સરકાર દ્રારા ટેકાના ભાવે થતી ખરીદી પણ બંધ રહી હતી. બીજી તરફ ગામડામાં મોટા ભાગના ખેડૂતોના ઘરે કોરોનાની બીમારીનો વત્તા-ઓછા અંશે ખર્ચ થયો હતો. તેના કારણે ખેડૂતોએ જે કઈ ઉત્પાદન કર્યું હતું તે ખાનગી વેપારીઓને ગરજના ભાવે, નીચા ભાવે વેચવા પડ્યા હતા અને પૈસા માંદગીના ખર્ચમાં વપરાઈ ગયા હતા.

વધુમાં જણાવ્યું છે કે, થોડા-ઘણા ઉનાળુ ઉત્પાદનમાં આવકની આશા હતી તે તૌક તે વાવાઝોડાએ ધૂળધાણી કરી નાંખી હતી. ઉનાળુ વાવેતર વરસાદ અને પવનના કારણે નાશ પામ્યા હતા. આમ ખેડૂતને માથે બીજો મરણતોલ ફટકો પડયો હતો. આપણે સહુ જાણીએ છીએ કે ખેડૂતને કોઈ માસિક આવક હોતી નથી, ચોમાસુ ઉપજ દિવાળીએ વેચે, તહેવાર ઉજવે અને શિયાળુ વાવેતર કરે, શિયાળુ વાવેતર વેચીને ધિરાણ ભરે અને પાછો ચોમાસા પહેલા નવું ધિરાણ લે. વર્ષે બંને વાવેતર કુદરતે છીનવ્યા એમ કહીએ તો ખોટું નથી. જે લોકોને માથે મુદ્દતી ધિરાણ છે પણ બબ્બે સીઝનોની આવક ખોવાને કારણે પાયમાલીને આરે ઉભા છે. આથી ગુજરાતના ખેડૂતોના પાક-ધિરાણ અને મુદતી ધિરાણ એક વર્ષ માટે લંબાવી આપવામાં આવે તેવી વિનંતી કરી છે.

વધુમાં સરકારે 30મી જૂન સુધી પાક-ધિરાણની મુદત લંબાવી હતી તેને આવકારતાં જણાવ્યું હતું કે, ખેડૂત 30મી જૂન પહેલા પૈસા શું વેચીને કમાશે ? ધિરાણ શેમાંથી ભરશે ? હાલ ખેડૂત મૂંઝવણમાં છે, જૂનું ધિરાણ કેવી રીતે ભરવું, મુદત નજીક આવશે એટલે મૂંઝવણમાં વધારો થશે અને ક્યાંક ખેડૂત ના ભરવાનું પગલું ભરી બેસે તો ? આથી ભારત સરકારે અને રિઝર્વ બેન્ક સાથે વખતસર વાત કરી બાબતે ઘટતી કાર્યવાહી અને હુકમો તાત્કાલિક કરાવવામાં આવે તેવી સાગર રબારીએ વિનંતી કરી છે.

(5:46 pm IST)