ગુજરાત
News of Friday, 18th June 2021

સુરતમાં કોળી પટેલ સમાજના બ્રેઇન ડેડ કલ્પનાબેન પટેલના પરિવારના ડોનેટ લાઇફના નિર્ણયથી ૫ વ્યકિતોઓને નવજીવન

સુરતઃ કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 265 કિ.મિ રોડ માર્ગનું અંતર 220 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ 19 ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બાર દિવસમાં ત્રણ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 2 હૃદય, 2 ફેફસાં, 6 કિડની, 3 લિવર અને 6 ચક્ષુઓ સહીત કુલ 19 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા માળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 388 કિડની, 160 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 292 ચક્ષુઓ કુલ 893 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 821 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

(5:47 pm IST)