ગુજરાત
News of Friday, 18th June 2021

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મહિલા સાથે આડા સંબંધમાં થયેલ હત્યામાં આરોપીના જામીનની અરજી અદાલતે નકારી કાઢી

સુરત:શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં મહીલા સાથેના સંબંધોના મામલે થયેલી અદાવતમાં હત્યા કરવાના ગુનાઈત કારસામાં જેલવાસ ભોગવતા આરોપી યુપીવાસી યુવાનની જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નકારી કાઢી છે.

યુપીના બાંદા જિલ્લાના વતની આરોપી છબીરામ ઉર્ફે રમેશ કમલેશ રામપાલ યાદવ (રે.અંસી ટેક્ષટાઈલ રોડ,હોજીવાલા સચીન)ને સાક્ષી ઉમા ઉર્ફે અર્ચના છેલ્લા આઠથી દસ વર્ષથી પતિ પત્ની તરીકે સાથે રહેતા હતા. આરોપી માર્ચ-2020માં તેના વતન ખાતે બે અઢી મહીના ગયો હતો. જે દરમિયાન  સાક્ષી ઉમા મરનાર ગંગાસિંહ રમાકાંત સિંહ (રે.ઝાકીરની ચાલ,ગભેણી રોડસચીન જીઆઈડીસી) સાથે  રહી હતી. પરંતુ છબીરામ  વતનથી પરત આવતા ઉમા તેની સાથે રહેવા ચાલી ગઈ હતી. જેથી ગંગાસિંહ ઉમાના  રૃમ પર ઝગડો કરવા ગયો હતો. જેથી છબીરામ યાદવ  તથા સહ આરોપી બ્રિજમોહન ઉર્ફે બિરજુ છોટેલાલ ગુપ્તા (રે.ગુરુકૃપા સોસાયટીગભેણી રોડ) તા.14-1-21ના રોજ સાંઈબાબા રેસીડેન્સી પ્લોટ પાસે ગંગાસિહની હથિયાર વડે હત્યા કરી દીધી હતી. ઝાકીરઅલી શેખે ફરિયાદ નોંધાવતા સચીન જીઆઈડીસી પોલીસે બંને આરોપી સામે ફરિયાદ નોંધી જેલભેગા કર્યા હતા. જેમાં આરોપી છબીરામ યાદવે સહ આરોપીને કોર્ટે શરતી જામીન આપ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ પરપ્રાંતીય આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા ટ્રાયલમાં હાજર ન રહેવાની સંભાવના છે.

(5:59 pm IST)