ગુજરાત
News of Saturday, 18th September 2021

રાજ્‍ય સરકારના મંત્રીઓએ વિધીવત ચાર્જ સંભાળી લીધોઃ પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પગે લાગીને નવા ગૃહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવીએ ઓફિસમાં એન્‍ટ્રી કરીઃ શુભેચ્‍છા માટે ગાંધીનગર સુધી લાંબા ન થવા અપીલ કરી

પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ નવા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ મિઠાઇ ખવડાવી

ગાંધીનગર: ગાંધીનગરમાં આજથી ધમધમાટ શરૂ થયો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ આજથી વિધિવત ચાર્જ સંભાળી રહ્યાં છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ ઓફિસમાં એન્ટ્રી કરીને વિધિવત કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીઓએ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો છે. તેઓ આજે પોતાની સાથે‘ યશસ્વી ભારત, ભગવદ ગીતા અને માય જર્ની વિથ એન આઈડિયોલોજી નામના ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યાં હતાં. તેમણે પરિવાર સાથે પૂજા કર્યા બાદ ગૃહમંત્રી તરીકનો ચાર્જ સ્વીકાર્યો હતો. આ પહેલા તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પગલે લાગીને તેમના આર્શીવાદ લીધા હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ચાર્જ લેવા પહોંચ્યા ત્યારે રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓ અને શુભેચ્છકોને નવા ગૃહરાજ્ય મંત્રીએ અપીલ કરી કે, શુભેચ્છા આપવા માટે ગાંધીનગર સુધી લાંબા ન થાય. જે તે જિલ્લાની મુલાકાત દરમિયાન તમામ સાથે મુલાકાત કરીશ.

પૂર્વ શિક્ષણમંત્રીએ નવા શિક્ષણમંત્રીને મીઠાઈ ખવડાવી

ગાંધીનગરમાં નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી થઈ ચૂકી છે. રાજ્ય સરકારના મંત્રીઓ આજથી વિધિવત ચાર્જ લઈ રહ્યાં છે. ગાંધીનગરમાં આજે તમામ મંત્રીઓ અલગ-અલગ સમયે ચાર્જ લેશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધિવત ચાર્જ લીધો. શ્રમ, રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ ચાર્જ લીધો છે. તો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીઠાઈ ખવડાવીને જીતુ વાઘાણીનું ચેમ્બરમાં સ્વાગત કર્યુ હતું. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના આશીર્વાદ લીધા હતા અને તેમણે પણ જીતુભાઈને ભગવાન ગણેશની મૂર્તિ અને પેન ભેટ આપી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે અક્ષરધામની મુલાકાત કરી

તો બીજી તરફ, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ધાર્મિક છબી સામે આવી રહી છે. પદગ્રહણ બાદ તેઓ વિવિધ મંદિરની મુલાકાત લઈ રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ ધાર્મિક છે અને આ અગાઉ પણ વિવિધ મંદિરોમાં પ્રાર્થના કરી ચૂક્યા છે. ત્યારે આજે તેમણે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત કરી હતી. ભગવાન સ્વામીનારાયણના ચરણોમાં શિશ ઝૂકાવ્યુ હતું. ચરણસ્પર્શ કરી સુશાસન માટે અભિલાષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદની તેમની આ પહેલી અક્ષરધામની મુલાકાત છે.

સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાંથી પૂર્વ મંત્રીઓએ વિદાય લીધી છે અને હવે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા સરકારી બંગલામાંથી પણ તેઓ વિદાય લઇ રહ્યાં છે. સરકારના નિયમ પ્રમાણે, પૂર્વ મુખ્યમંત્રીઓને ગાંધીનગરમાં કે ટાઇપના બંગલા મળતા હોય છે. હાલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને બંગલો ફાળવાયેલો છે તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બંગલો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીઓના બંગલા પાછળ માન્યતા

લકી નંબર કિસ્મત બનાવે છે અને અનલકી નંબર બદકિસ્મત લાવે છે. આવી જ કેટલીક માન્યતા ગાંધીનગરમાં મુખ્યમંત્રીને ફાળવાયેલા બંગલા માટે છે. કહેવાય છે કે, મુખ્યમંત્રી 1 નંબરના બંગલામાં રહે તો મુખ્યમંત્રી પદ ગુમાવવુ પડે છે. આ બંગલામાં રહીને મુખ્યમંત્રી પદ ગુમાવવુ પડ્યુ હોય તેવા અનેક કિસ્સા છે. તેથી બીજી તરફ, મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. તેથી 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે. 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે ચીફ મિનિસ્ટર બંગલામાં રહેવાની પ્રણાલી તોડી બંગલા નંબર 1ની બાજુ આવેલા બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું અને ચીફ મિનિસ્ટર બંગલાને પોતાની ઓફિસ બનાવી હતી.

(6:14 pm IST)