ગુજરાત
News of Monday, 18th October 2021

બાગાયત વિભાગ દ્વારા મહિલાઓ માટે કિચન ગાર્ડનિંગ તાલીમ શિબિર યોજાઈ

શાકભાજી સહીતના ફળાઉ ઝાડપાન ઘરે જ ઉગાડી સ્વાસ્થ્ય સાથોસાથ આત્મનિર્ભર બનવા જરૂરી માર્ગદર્શન અપાયું

રાજકોટ :ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ હેઠળના અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર અને વડોદરા સ્થિત નવજીવન આઇકોનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે એક દિવસીય કિચન ગાર્ડન તાલીમ શિબિરનુ આયોજન આત્મીય કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સાંપ્રત સમયમાં કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન તેમજ ઇન્ડોર ગાર્ડન તૈયાર કરી શાકભાજી સહીતના ફળાઉ ઝાડપાન ઘરે જ ઉગાડી નિરામય સ્વાસ્થ્ય મેળવવા અને આત્મનિર્ભર બનવા જરૂરી માહિતી અને તાલીમ તજજ્ઞો દ્વારા પુરી પડાઈ હતી.
આ તાલીમ શિબિરમાં સુરતના સંયુક્ત બાગાયત નિયામકશ્રી આર.એસ. લાડાણીએ કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય અને સાત્વિક ખોરાક પ્રત્યે વધુ જાગૃત બન્યા હોવાનું જણાવી કહ્યું હતું કે, કિચન ગાર્ડન એ આજના સમયની માંગ છે. ઘરમાં જ ગાર્ડનિંગ થકી શુદ્ધ શાકબાજી ઉગાડવાથી પ્લાન્ટેશન થકી ઓકિસજન અને સારું વાતાવરણ મળી રહે છે. કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરના વપરાશ વગર કઈ રીતે ફળફૂલ અને શાકભાજી ઉગાડી શકાય તેની માહિતી પણ તેઓએ પુરી પાડી હતી.
બાગાયત વિભાગના શ્રી કેતન પરમારે ટેરેસ ગાર્ડન તેમજ ઇન્ડોર ગાર્ડનની તલસ્પર્શિ માહિતી પુરી પાડી હતી, જયારે સુનિલભાઈ સાંગાણીએ "હાઇડ્રોપોનીક્સ : એડવાન્સ ટેક્નોલોજી ફોર કિચન ગાર્ડન" વિષય પર પ્રકાશ પાડ્યો હતો. સંસ્થાના શ્રી અસિત ટાંકે બાગાયત વિભાગની કામગીરીની માહિતી પુરી પાડી હતી. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે વિભાગ દ્વારા કેનિંગ તેમજ જામ, કેચઅપ, મુરબ્બા, અથાણાં, સરબત વગેરે બનાવવા અંગે આપવામાં આવતી વિવિધ ટ્રેનિંગ નો લાભ લેવા જણાવ્યું હતું.
વડોદરા સ્થિત નવજીવન ટ્રસ્ટ દ્વારા ગૃહિણીઓ માટે તૈયાર કરવામાં આવેલ ‘નવજીવન શોપી’ એપની માહિતી આપી હતી. આ એપ થકી ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહેશે તેમ સંસ્થાના નીરવભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
એક દિવસીય તાલીમ શિબિરમાં અનેક મહિલાઓએ જોડાઈ હતી અને કિચન ગાર્ડનિંગની માહિતી, તાલીમ અને પ્રશ્નોત્તરી દ્વારા જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક, રાજકોટ જી.જે. કાતરીયા, નાયબ ખેતી નિયામક બી.એમ. આગઠ, બેન્ક ઓફ બરોડાના મેનજર,તજજ્ઞો  સંગીતાબેન છાયા,  ઐશ્વર્યા સોલંકી તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો જોડાયા હતાં.

(10:53 am IST)