ગુજરાત
News of Monday, 18th October 2021

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ઘર આંગણે પાર્ક કરેલ કારને આંતરી લૂંટ ચલાવવાનો ચોરનો પ્રયાસ નિષ્ફ્ળ ગયો

વડોદરા:શહેરના નિઝામપુરા વિસ્તારમાં ઘર આંગણે કાર પાર્ક કરી રહેલા જ્વેલર્સ સંચાલકને આંતરી રિવોલ્વર વડે ફાયરિંગ કરી કારમાં મૂકેલી બેગ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરી બાઇક સવાર ચાર લુટારુ અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે આઈપીસી 393 ,394 ,398 તથા હથિયારબંધી જાહેરનામા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બાઈક સવાર અજાણ્યા ચાર  લુટારુઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

વડોદરા શહેરના નિઝામપુરા બસ સ્ટેન્ડ પાછળ આવેલી  આશિયાના સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય ભાવેશકુમાર ભરતભાઈ સોની છાણી ગામ ખાતે શ્રી અંબે જવેલર્સના નામે દુકાન ધરાવી સોના ચાંદીનો વેપાર કરે છે. ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે દુકાન બંધ કરી હિસાબની બેગ કારમાં મૂકી પરત ઘરે જવા નીકળ્યા હતા. સોસાયટીમાં ઘર આંગણે કાર પાર્ક કરતાં સમયે બાઈક ઉપર બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા. એક ઈસમે સાબ્જી સાબ્જી કહી હિન્દી ભાષામાં વાત કરી અન્ય ઇસમે કારમાંથી બેગ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમય સુચકતા વાપરી ભાવેશકુમાર કારનો દરવાજો બંધ કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલા લૂંટારૂઓએ હાથાપાઈ કરી તે પૈકીના એક ઈસમે રિવોલ્વર વડે ફાયરીંગ કરતા ભાવેશ કુમારના પગમાં ઘુટણના ભાગે ઇજા પહોંચી હતી. ભાવેશકુમાર મદદ માટેની બુમો પાડતા અન્ય બે અજાણ્યા બાઇક સવાર ઈસમો આવી પહોંચ્યા  હતા. અને લુટારૂઓ કાશી વિશ્વનાથ મંદિર થઈ છાણી જકાતનાકા તરફ નાસી છૂટયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ભાવેશ કુમારને તાત્કાલિક નજીકની શ્રીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(5:16 pm IST)