ગુજરાત
News of Thursday, 18th November 2021

સુરત: ભાવવધારા વગર કામ કરનાર કારીગરોને મારવાની ધમકી : ઉડિયા ભાષામાં લાગ્યા પોસ્ટરો

અંજની ઈન્ડસ્ટ્રીઝમાં વણાટના કારીગરોને ઉશ્કેરવાનો પ્રયાસ :અમરોલી ખાતે આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં 500 જેટલા લુમ્સના કારખાનાઓ કાર્યરત

સુરત :શહેરના કાપડ ઉદ્યોગમાં ફરી એકવાર ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે અંજની ઈન્ડસ્ટ્રીઝમાં વણાટના કારીગરોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ઉડિયા ભાષામાં લખવામાં આવેલા પોસ્ટરોમાં કારીગરોને ભાવ વધારા સાથે કામ કરવાની ચીમકી આપવામાં આવી છે અને જો કારીગરો દ્વારા ભાવવધારેને સમર્થન નહીં આપે તો તેમને મારવાની પણ ચીમકી આપવામાં આવી છે.

અમરોલી ખાતે આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં 500 જેટલા લુમ્સના કારખાનાઓ ધમધમી રહ્યા છે. દિવાળી વેકેશન બાદ પરત ફરી રહેલા કારીગરોને ઉદ્દેશીને આજે સવારે પોસ્ટરો લગાવવામાં આવતા કારખાનેદારોમાં ભારોભાર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ઉડિયા ભાષામાં લખવામાં આવેલા પોસ્ટરોમાં જ્યાં સુધી ભાવ વધારો નહીં આપવામાં આવે ત્યાં સુધી કારીગરોને કામ ન કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

આ ચીમકી આપવામાં આવી છતાં જો કોઈ કારીગર દ્વારા ભાવ વધારા વગર કામ કરવામાં આવશે તો તેને મારવાની પણ ધમકી આપવામાં આવતા કારીગરોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ કારખાનાઓના મેઈનગેટ પર ચોંટાડવામાં આવેલા આ પોસ્ટરોને કારણે લુમ્સના કારખાનેદારોને ચોક્કસ અસામાજિક તત્વો દ્વારા માહોલ બગાડવાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

(10:13 pm IST)