ગુજરાત
News of Thursday, 18th November 2021

898 કરોડના ખર્ચે બનશે સુરત મનપાની કચેરી : 28 માળના બે ટાવર હશે : 20મીએ લેવાશે નિર્ણય

ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં નવા હેડક્વાર્ટર બિલ્ડીંગમાં વધારાનો મીટીંગ હોલ બનાવાશે: કેન્ટીન, બેન્ક્વેટ હોલ, યોગા-ધ્યાન કેન્દ્ર, સીસીટીવી સર્વેલન્સ રૂમ, એવોર્ડ ડિસ્પ્લે ગેલેરી અને લાયબ્રેરી પણ સ્ટાફની સંખ્યા અનુસાર બનાવાશે

સુરત મહાનગર પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠક 20 નવેમ્બરના રોજ મળશે. આ બેઠકના એજન્ડામાં 22 પ્રસ્તાવ સામેલ છે. મુખ્ય દરખાસ્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હેડક્વાર્ટર બિલ્ડિંગ માટે છે. ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં હેડક્વાર્ટરનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. આશરે રૂ. 898 કરોડ 91 લાખ 68 હજારના ખર્ચ સાથે બાંધકામ સંબંધિત દરખાસ્ત અંગે બાંધકામ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

ટીપી સ્કીમ નંબર 6 મજુરા-ખટોદરાના ફાઈનલ પ્લોટ નંબર 234, 235ની જગ્યાએ મહાનગરપાલિકાનું નવું હેડક્વાર્ટર બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ આઈકોનિક બિલ્ડિંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસો પણ કાર્યરત થશે. આ બિલ્ડીંગ 22, 100 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. 28 માળના બે ટાવર બનાવવામાં આવશે.

આ ઈમારત દક્ષિણ ગુજરાત રાજ્યની સૌથી ઊંચી ઈમારત હશે અને દેશની સૌથી ઊંચી ઈમારતોમાંની એક હશે. આ બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે. કુલ સાઈટ એરિયા 22,563 ચોરસ મીટર હશે. સુરત મહાનગર પાલિકાની કચેરીઓ ટાવર-એમાં રહેશે.

આ બિલ્ડિંગની ઊંચાઈ 109.15 મીટર હશે. જ્યારે ટાવર-બીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ હશે. મ્યુનિસિપલ કચેરીઓમાં હાઈડ્રોલિક, હેડ વોટર વર્કસ, ડ્રેનેજ, બીઆરટીએસ, ટ્રાફિક સેલ, સ્લમ અપગ્રેડેશન સેલ, એફોર્ડેબલ હાઉસિંગ સેલ, સોલિડ વેસ્ટ, ગાર્ડન પ્રોજેક્ટ સેલ વગેરેનો સમાવેશ થશે.

ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં સુરત મહાનગરપાલિકાના નવા હેડક્વાર્ટર બિલ્ડીંગમાં વધારાનો મીટીંગ હોલ બનાવવામાં આવશે. કેન્ટીન, બેન્ક્વેટ હોલ, યોગા-ધ્યાન કેન્દ્ર, સીસીટીવી સર્વેલન્સ રૂમ, એવોર્ડ ડિસ્પ્લે ગેલેરી અને લાયબ્રેરી પણ સ્ટાફની સંખ્યા અનુસાર બનાવવામાં આવશે. કુલ રૂપિયા 898 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાની નવી કચેરી બનાવવામાં આવશે

(9:44 am IST)