ગુજરાત
News of Thursday, 18th November 2021

ઉત્તર ગુજરાતમાં પણ વહેલી સવારથી માવઠું: ખેડૂતોમાં ચિંતા

ગાંધીનગર, તા.૧૮: આજે વહેલી સવારથી જ મહેસાણા, બનાસકાંઠા, અરાવલી, પાટણ અને સાંબરકાઠાના કેટલાક વિસ્તારોમાં માવઠા થયા છે. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં તો અડધા કલાકથી વધારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે ખેતી પાકમાં નુકસાનની સહિત રોગચાળાનો ડર પણ ઉભો થયો છે.

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ પહેલા અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

માવઠાનાં કારણે ખેડૂતોનાં જીવ પણ તાળવે ચોંટયા હતા અને આ બિન મોસમ વરસાદથી ખેતી પાકને નુકસાનની સાથે-સાથે રોગચાળાની દહેશત ફેલાઇ રહી છે.

ઉત્તર ગુજરાતમાં થઈ રહેલા માવઠાને લઈને ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. હાલમાં ગ્વાર સહિતના કેટલાક પાકોમાં રોગ આવી શકે છે, તેથી ખેડૂતોને તેનો ભાવ મળી શકશે નહીં. તે ઉપરાંત જ્વારની ચાર પણ કાળી પડી શકે છે, તેવામાં ખેડૂતોને મોટું નુકશાન થશે તે ચોક્કસ છે.

(11:37 am IST)