ગુજરાત
News of Thursday, 18th November 2021

શામળાજીમાં કાર્તિકી મેળાનો પ્રારંભ

ભગવાન શામળીયાના દરબારમાં ભકતોની ઉમટી ભીડ : પ્રસાદ માટે મંદિર પ્રશાસન તૈયાર કરાવશે ત્રણ લાખ લાડુ

શામળાજી તા. ૧૮ : યાત્રાધામ શામળાજીમાં બુધવારથી ત્રણ દિવસનો કાર્તિકી મેળો શરૂ થઇ ગયો છે. અહીં સવારથી જ હજારો ભકતોએ નાગધરા કુંડના નિર્મળ જળમાં સ્નાન કરીને ભગવાન શામળાજીના દર્શન કર્યા.

મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મેળામાં દુકાનો લગાવવા દૂર-દૂરથી વેપારીઓ આવ્યા છે. શામળાજી ગ્રામ પંચાયત તરફથી વેપારીઓને અલગ અલગ જગ્યાઓ એલોટ કરવામાં આવી છે. અહીં આવનારા શ્રધ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ લાડુઓ તૈયાર કરાઇ રહ્યા છે. આ લાડુઓને અલગ અલગ પેકેટમાં પેક કરીને પ્રસાદરૂપે આપવામાં આવશે.

નાગધરા કુંડમાં સ્વચ્છ જળ ભરેલ હોવાથી શ્રધ્ધાળુઓએ સ્નાન અને પાણી માટે જ્યાં ત્યાં ભટકવું નથી પડતું. આ મેળામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ શ્રધ્ધાળુઓ આવવાના શરૂ થઇ ગયા છે. ગુજરાત એસટી દ્વારા મેળામાં આવનારા શ્રધ્ધાળુઓ માટે સ્પેશ્યલ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાગધરા કુંડથી માંડીને બજારો અને એસટી બસ સ્ટેન્ડ સુધી લાઇટીંગની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. પૂનમ સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મેળામાં અલગ અલગ સ્થળોએથી ભજન મંડળીઓ પણ આવે છે. ભગવાન કાળીયા ઠાકરના દર્શન સાથે લોકો આ ગ્રામ્ય મેળાનો લાભ પણ લે છે.

(2:44 pm IST)