ગુજરાત
News of Thursday, 18th November 2021

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે રાહત ના આપીઃ જામીન માટેની શરત હટાવવાનો ઈનકાર

નવી દિલ્હી, તા.૧૮: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી. મળતી વિગતો પ્રમાણે હાર્દિક પટેલને ગુજરાતની કોર્ટે  જામીન આપતી વખતે શરત મુકી હતી કે, કોર્ટની પૂર્વ મંજૂરી વગર હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે.

આ શરતને હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.જોકે સુપ્રીમ કોર્ટે આ શરત હટાવવા માટે ના પાડી દીધી છે.દરમિયાન હાર્દિક પટેલ તરફથી કોંગ્રેસના સિનિયર વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી.

આ પહેલા હાર્દિક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ આ શરત હટાવવા પિટિશન કરાઈ હતી.જોકે ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કરી દીધા બાદ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી. રાજય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજુરી લેવાની શરત ૨૦૨૦માં લાગુ કરવામાં આવી હતી. ૨૦૧૫માં હાર્દિક સામે પાટીદાલ આંદોલનના સંદર્ભમાં ફરિયાદ થઈ હતી.જેની તેઓ અમદાવાદની નિચલી કોર્ટમાં હાજર નહોતા થયા. તે વખતે હાર્દિક પર દેશદ્રોહનો આરોપ લગાવાયો હતો. નીચલી કોર્ટે જામીન આપતી વખતે શરત મુકી હતી કે, રાજય છોડતા પહેલા કોર્ટની મંજૂરી લેવી પડશે.

(7:58 pm IST)