ગુજરાત
News of Thursday, 18th November 2021

પાટણની મહિલાને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા બાદ હવે વડોદરામાં પ્રેમી યુવકને કાળજુ કંપાવી દે તેવી સજા આપતા મોત થતા હાહાકાર

પ્રેમ પ્રકરણની યુવતિના પરિવારજનોને ખબર પડી જતા અપહરણ કરીને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો

વડોદરા: પાટણની મહિલાને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવાની શ્યાહી હજી સૂકાઈ નથી, ત્યાં પ્રેમમાં તાલિબાની સજા આવવાની વધુ એક ઘટના સામે આવી છે. ગુજરાતમાં હવે ધીરે ધીરે બિહારરાજ આવી રહ્યું છે. લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે, અને આવામાં કોઈની હત્યા કરતા પણ વિચરતા નથી. વડોદરામાં એક પ્રેમી યુવકને કાળજુ કંપાવી દે તેવી સજા આપવામાં આવી છે. આ સજામાં યુવકનું મોત નિપજ્યું છે.

પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોને આ વાતની ખબર પડી જતા તેઓએ યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. જેના બાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો ફટકાર્યો હતો કે તેનુ મોત નિપજ્યુ છે. આ ઘટનામાં પ્રેમી યુવક જયેશ રાવળનું દર્દનાક મોત થયુ છે. ત્યારે યુવકને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે. ઘટના બન્યા બાદ પાદરા પોલીસ દોડતી થઈ છે.

પાદરા પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. પાદરા પોલીસે કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, યુવતીના પરિવારજનો સજા આપવામાં તાલિબાન કરતા પણ ક્રુર બન્યા હતા. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવી હતી.

આ વિશે વડોદરાના એસપી સુધીર દેસાઈએ માહિતી આપી કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ગામમાં શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઈને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી. 

(4:36 pm IST)