ગુજરાત
News of Thursday, 18th November 2021

સુરતના ખડસદ ગામેથી કૃત્રિમ ત્રણ બાળકોની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના મોટા વરાછા ખાતે કડિયા કામ કરવાની મજૂરી કામે ત્રણ બાળકો લઈને આવેલા શ્રમજીવી ત્રણ દિવસ અગાઉ ખડસદ રોડ ઉપર ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન હાલતમાં મળ્યા બાદ મોત નિપજ્યું હતું. જેના ત્રણેય બાળકોની ફૂલી ગયેલી હાલતમાં ખડસદ ગામે  કૃત્રિમ તળાવમાંથી લાશ મળી આવી હતી.

     સુરતના મોટા વરાછા ખાતે પ્રિયંકા એવન્યુ સાઇડ ઉપર ગત તા.૧૬-૦૯-૨૦૨૧ના રોજ કડિયા કામની મજૂરી કરવા સુરેશ કૈલાશ વલકે (ઉ.વ.૩૫મૂળ રહે. તોયાટોલાતા. દેવરીજી. ગોન્દીયામહારાષ્ટ્ર) પોતાના ત્રણ બાળકો પુત્રી ગ્રેસી (ઉ.વ.૧૨)પુત્રી રૃક્ષ (ઉ.વ.૦૬) અને પુત્ર મોક્ષ (ઉ.વ.૦૩) સાથે આવેલો હતો. ગત તા.૧૪-૧૧-૨૦૨૧ ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સુમારે ખડસદ ગામે રસ્તામાં સુરેશ વલકે પડી જતા માથામાં ઈજાગ્રસ્ત બેભાન હાલતમાં મળ્યો હતો. સુરેશને સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા તા.૧૫-૧૧-૨૦૨૧ રોજ સારવાર દરમિયાન સુરેશને ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વતન રહેતા સુરેશના નાનાભાઈ મનોજનો સંપર્ક કર્યો હતો. દરમિયાન બુધવારે મનોજ પોતાના સંબંધીઓ સાથે કામરેજ પોલીસ મથકે આવતા પોલીસના મોબાઈલ ફોનમાં ફોટા જોતા પોતાના મોટાભાઈ સુરેશની ઓળખ કરી હતી. દરમિયાન મનોજે પોતાના મોટાભાઈ સુરેશના બે વખત લગ્ન થયા હતા અને બંને પત્ની સાથે છૂટાછેડા થઈ જતાં ચિંતામાં રહેતો હતો. સુરેશ ત્રણેય બાળકોની પોતે જ સંભાળ રાખતો હતો. સુરેશને ગામમાં મજૂરી કામ બરાબર મળતું ન હોય બાજુના ગામના લક્ષ્મણ મડાવી સાથે કડીયા કામની મજૂરી માટે પોતાના ત્રણ બાળકોને સાથે રાખી કામ કરવા આવેલો હતો. કામરેજ પોલીસે લક્ષ્મણ મડાવીની પુછપરછ કરતા સુરેશ ત્રણેય બાળકોને લઈને પ્રિયંકા એવન્યુ સાઇડ ઉપરથી નીકળ્યો હતો. ક્યાં ગયો તે ખબર ન હતી. દરમિયાન બુધવારે બપોરે ખરસદ ગામે આવેલા તળાવમાંથી સુરત ફાયર બ્રિગેડે ત્રણેય લાશ બહાર કાઢી હતી. ગ્રેસીરૃક્ષ અને મોક્ષની ફુલી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગ્રેસીરૃક્ષ અને મોક્ષની ફુલી ગયેલી હાલતમાં કાકા મનોજએ ઓળખ કરતાં કામરેજ પોલીસે મનોજની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:54 pm IST)