ગુજરાત
News of Thursday, 18th November 2021

રાજયમાં કોરોનાના કેસો વધ્યા :વાયરસની તપાસ માટે સેમ્પલ મોકલાયા :પરીક્ષણ કાર્ય ચાલુ : ઋષિકેશ પટેલ

વધુ કેસ નોંધાય ત્યાં કડક પ્રતિબંધ મુકાશે : હાલમાં બાળરોગની રસી અને બૂસ્ટર ડોઝ માટેની કોઈ યોજના નથી

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જાય છે વધી રહેલા કેસને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે સ્વાસ્થય મંત્રી ઋષિ કેસ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, રાજયમાં કોરોનાના કેસો વધ્યા છે. વાયરસની તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. વાયરસનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાને નાથવા માટે બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવશે.

ગુજરાતના સ્વાસ્થય મંત્રી ઋષિ કેસ પટેલે જણાવ્યું છે કે, કોરોના વેક્સિનના કારણે લોકોને હોસ્પિટલ જવાની જરુર પડી નથી. તેઓએ જણાવ્યું છે કે, જે વિસ્તારમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે તે જગ્યાઓ પર પ્રતિબંધો કડક કરવામાં આવશે. હાલમાં બાળરોગની રસી અને બૂસ્ટર ડોઝ માટેની કોઈ યોજના નથી. નાઇટ કર્ફ્યુ અને કોરોનાને કારણે લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો અંગે અન્ય કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાથોસાથ તેમણે કહ્યું કે હાલમાં રાત્રિ કર્ફ્યુ વધારવાની કોઈ યોજના નથી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 16 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જે બાદ અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. દૈનિક કેસોમાં નોંધાયેલા ઘટાડા પછી, રિકવરી રેટ 98 ટકાને વટાવી ગયો છે.

(6:47 pm IST)