ગુજરાત
News of Thursday, 18th November 2021

અમદાવાદ મનપાએ ટ્રાફિકને અડચણરૂપ લારીઓ ઉપાડી : કામગીરી બતાવવા માટે કેટલાક વિસ્તારોમાં દબાણો હટાવ્યા

ભારે વિવાદના કારણે શહેરમાં અધિકારીઓને નોન વેજ અને ઈંડાની લારી વાળાઓને હેરાન ન કરવા માટે સૂચના અપાઈ

અમદાવાદ : રાજયના મહાનગરોમાં કોર્પોરેશન દ્વારા જાહેર માર્ગ પર લગાવવામાં આવતી વેજ અને ઈંડાની લારીઓ હટાવવા માટેના આદેશ આપ્યા હતા. જો કે, આ નિર્ણયને લઈ ભારે વિવાદ પણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં આ નિર્ણયને લઈ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. ભારે વિવાદના કારણે શહેરમાં અધિકારીઓને નોન વેજ અને ઈંડાની લારી વાળાઓને હેરાન ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દ્વારા લેવામાં આવેલ નિર્ણય બાદ ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગરીબ પરિવારમાં ભારે નિરાશા પણ જોવા મળી હતી. જો કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયને લઈ સપષ્ટતા કરી હતી. સાંજે મુખ્યમંત્રીની સ્પષ્ટતા બાદ બીજા દિવસથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ટ્રાફિક અડચણરૂપ તમામ લારીઓને ઉપાડી લીધી હતી. એક દિવસની કામગીરી બતાવવા માટે માત્ર કેટલાક વિસ્તારોમાં દબાણો દૂર કર્યાં હતાં. વિવાદને શાંત પાડવા માટે અધિકારીઓને હાલમાં ક્યાંય દબાણરૂપ લારી-ગલ્લા ન હટાવવા સૂચના આપી છે.

અમદાવાદ શહેરમાં જોશમાં લેવામાં આવેલ એએમસીનો નિર્ણય હવે શાંત થઈ ગયો છે. શહેરમાં હવે જાહેર રસ્તાઓ પર ઈંડાં-નોનવેજની લારીઓ ઉપરાંત તમામ લારીઓ ઊભી રહેશે. અમદાવાદમાં એવા અનેક વિસ્તારો છે, જેમ કે ગુજરાત યુનિવર્સિટી રોડ, IIM સહિતના જગ્યાઓ, જેમાં જાહેર રોડ પર આખો રોડ રોકાય અને ટ્રાફિક થાય એમ લારીઓ ઊભી રહે છે, જોકે એસ્ટેટ વિભાગના અધિકારીઓ હવે ભાજપના સત્તાધીશોની સૂચના મુજબ દબાણો હટાવવાની કામગીરી ધીમી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતે આ વિવાદને લઈ એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતુ કે, ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય, એની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય શકે છે, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે એ એમાં વેજ-નોનવેજની કોઇ વાત નથી

(6:57 pm IST)