ગુજરાત
News of Thursday, 18th November 2021

નડિયાદના સંતરામ મંદિરમાં દેવદિવાળીનો ઝગમગાટ :1.25 લાખ દીપમાળાથી મંદિર પરિસર ઝળહળી ઉઠશે

લગભગ 12 ડબ્બા તેલના, 4 ડબ્બા દિવેલના અને મીળના કોડિયાનો ઉપયોગ :ભજન મંડળીઓ દ્વારા ભજનોની પણ રમઝટ બોલાવવામાં આવશે

નડિયાદ:શહેરના આસ્થાના પ્રતીક સમાન સંતરામ મંદિર પણ દર વર્ષની જેમ આવતીકાલે પરંપરાગત રીતે લાખો દીવડાથી ઝગમગી ઉઠશે . રાજ્યભરના શ્રધ્ધાળુઓ આસ્થાના દીપ પ્રજ્વલિત કરી આવતીકાલે દેવ દિવાળી પર્વની સંતરામ મહારાજના સાંનિધ્યમાં ઉજવણી કરવા એકત્ર થશે. દેવદિવાળીના પર્વ પર પર લગભગ 1 લાખ 25 હજારના દીપમાળાઓથી મંદિર ઝળહળી ઉઠશે.

જેમાં લગભગ 12 ડબ્બા તેલના, 4 ડબ્બા દિવેલના અને મીળના કોડિયાનો ઉપયોગ થનાર છે. મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવડાઓ સજાવી જય મહારાજ લખાશે. જેની તૈયારીઓનો પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

નડિયાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંતરામ મંદિરમાં આવતીકાલે (શુક્રવાર) ઢળતી સંધ્યાએ સંતરામ મંદિરમાં સ્વયંસેવકો અને ભક્તો દ્વારા લાખો દીવડાઓની રોશની કરવામાં આવનાર છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે. તથા, રોશનીના ઝગમગાટ વચ્ચે મંદિરની વિવિધ શાખાઓ દ્વારા ભજનની રમઝટથી સમગ્ર પરિસર જય મહારાજના જયજયકારથી ગૂંજી ઉઠ્નાર છે. સંતરામ મંદિરમાં લાખો દિવડાઓને નિહાળવા માટે મંદિરના ચોક અને ટેરેસ પર દર વર્ષે માનવ મહેરામણ ઉભરી પડ્તું હોય છે. સંતરામ મંદિરમાં દેવદિવાળીનું વિશેષ મહત્વ છે.અને, આ દિવસે સંતરામ મહારાજ દીવડા સ્વરૂપે પ્રગટ થતા હોય અને લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય ભક્તોનો વિશેષ ધસારો જોવા મળે છે.

સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ. પૂ. પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવનાર છે. શુક્રવારે સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવનાર છે. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે અને ભવ્ય રોશની કરવામાં આવનાર છે. આ પર્વને લઈને મંદિર પ્રશાસને તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. સ્વયંમ સેવકો સહિત શ્રધ્ધાળુઓ હાજર રહેશે. ભજન મંડળીઓ દ્વારા ભજનોની પણ રમઝટ બોલાવવામાં આવશે.

(8:17 pm IST)