ગુજરાત
News of Thursday, 18th November 2021

આરોપીઓ દ્વારા દુબઈમાં પ્લાન બનાવવામાં આવ્યો હતો

ઝીંઝુડામાં ૧૨૦ કિલો ડ્રગ્સ કેસ મામલે ATSનો ખુલાસો : પાકિસ્તાન, પંજાબ, ગુજરાતના આરોપીઓ દ્વારા પ્લાન બનાવાયો હતો : કન્સાઈન્મેન્ટ પંજાબ મોકલવાનું હતું

અમદાવાદ,  તા.૧૮ : ઝીંઝુડા ગામે પકડાયેલાં ૧૨૦ કિલો હેરોઈન મામલે એટીએસની તપાસમાં દરેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેવામાં આ મામલે આજે એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, દિલ્હી, પાકિસ્તાન, પંજાબ અને ગુજરાતના આરોપીઓએ દુબઈમાં મળીને ડ્રગ્સની હેરાફેરીનો પ્લાન બનાવ્યો હતો. આ ઉપરાંત ભાવેશ રોજીયાએ પ્રેસ કોન્ફરન્સમાં અનેક ચોંકાવનારી વિગતો આપી હતી.

કલ્યાણપુરાના નવાદ્રા બંદરેથી ૧૨૦ કરોડના ડ્રગ્સકાંડ મામલે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી. એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, ઝીંઝુડા ગામેથી ૧૨૦ કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે. જેમાં જબ્બાક, જોડિયાનો જબ્બાર રાવ ગુલામ ભાગડ અને ત્યાં જેના મકાનમાં હતો એ સમસુદ્દીનની પુછપરછ દરમિયાન જબ્બારની સાથે તેના કાકા ઈશારાવ સંકળાયેલા હતા.

ડીવાયએસપી ભાવેશ રોજીયાએ કહ્યું કે, ઈશારાવ અને જબ્બાર દ્વારા આ કન્સાઈન્મેન્ટ લાવવામાં આવ્યું હતું. અને ગુલામ દ્વારા તેને દરિયામાંથી અહીં લાવવામાં આવ્યું હતું. આ લોકોની વધુ પુછપરછ દરમિયાન આ કન્સાઈન્મેન્ટ પંજાબ મોકલવાનું હતું. પંજાબનો અંકિત ઝાખડ અને અરવિંદ યાદવ આ કન્સાઈનમેન્ટ લેવા માટે રાજસ્થાન આવવાના હતા. આ બાતમીના આધારે અરવિંદ યાદવની અને સલાયાના ઈકબાલ તેને વેચવા માટે જવાનો હતો તેની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. અને ઈશારાવનો પુત્ર હુસૈન પણ આ ગુનામાં સંડોવાયેલો છે. અને તેની પણ જોડિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત જબ્બારની પુછપરછ દરમિયાન વધુ ૨૪ કિલો જેટલો જથ્થો દ્વારકાના નવાદ્રા ગામમાં હોવાની બાતમી આધારે ત્યાંથી અનવર મુસા પટેલિયાના ઘરેથી ૨૪ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અને બાકીના ચાર આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે. અને તમામ આરોપીઓની પુછપરછ ચાલુ છે તેમ ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, ઈશારાવ અને જબ્બાર દ્વારા આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનના ઝાહિદ બસીર બલોચ દ્વારા મંગાવવામાં આવતા હતા. અને આ કન્સાઈન્મેન્ટને ગુજરાતના સલાયામાં ઉતારી આગળ તેને પંજાબમાં મોકલવાના હતા. પંજાબમાં ભોલા શૂટર, જે લોરેન્સ બિશ્નોઈ ગ્રૃપનો છે, એ ભોલા શૂટરને અંકિત ઝાખડ અને અરવિંદ આગળ તેને સપ્લાય કરતા હતા. ઈશારાવ મૂળ જોડિયા ગામનો છે, અને આ ગુનાના આરોપી જબ્બારના કાકા થાય છે. અને વર્ષોથી માછીમારીને કારણે દુબઈ, આફ્રિકા વગેરે દેશોમાં સંકળાયેલો છે. અને આ ગુનાના પાકિસ્તાની આરોપી ઝાહિદ બસીર બલોચ છે તેના સંપર્કમાં હતો.

ભાવેશ રોજીયાએ ઉમેર્યું કે, અંકિત ઝાખડ અને અરવિંદ યાદવ જે ગાડી લઈને આવતા હતા તે અરવિંદ યાદવની પંજબવાળી ગાડી કબ્જે લેવામાં આવી છે. જબ્બાર જે ગાડીનો ઉપયોગ કરતો હતો તે ગાડી કબ્જે લેવામાં આવી છે. અને અન્ય વ્હીકલ્સ કબ્જે લેવાની કાર્યવાહી ચાલુ છે. તેઓ કારની સ્પેશિયલ ખાના બનાવીને ડ્રગ્સ લઈ જતા હતા, જેની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક પુછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે, આ ગુનાના આરોપીઓ અગાઉ ૧૨ કિલો જેટલું ડ્રગ્સ આપી હોવાનું કબૂલ્યું છે.

એટીએસના ડીવાયએસપીએ જણાવ્યું કે, અત્યાર સુધીના જેટલાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તેમાં દિલ્હી અને પંજાબનું કનેક્શન સામે આવ્યું છે. આ વખતે રાજસ્થાનના આરોપીઓ પણ સામે આવ્યા છે. ડ્રગ્સ ગુજરાતમાં ઉતારી આગળ મોકલતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. ફરિદકોટ જેલમાં બંધ આરોપી ડ્રગ્સનો રિસીવર છે. પાકિસ્તાન, ગુજરાત, પંજાબના આરોપીઓએ દુબઈમાં મળીને આ અંગે પ્લાન કર્યો હતો. અને ત્યાંથી ડ્રગ્સ પંજાબ મોકલવાનું ચાલતું હતું.

(9:18 pm IST)