ગુજરાત
News of Thursday, 18th November 2021

LRD ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની મુદત વધારવા કોંગ્રેસ પ્રમુખની માંગ : સીએમને લખ્યો પત્ર

છેલ્લી મુદતના પહેલાના 3 દિવસ સુધી સર્વર સતત ખોટકાયેલું રહેતા અને તહેવારોને કારણે ઘણા ઉમેદવારો અરજી કરવાથી તેમજ ફી ભરવાથી વંચિત રહી ગયા

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લોક રક્ષક દળ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરવા પત્ર લખી માગણી કરી છે.


કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવું છે કે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા 10,459 લોક રક્ષક દળ જવાનોની ભરતી માટે તા. 23 ઓક્ટોબર 2021થી 9 નવેમ્બર 2021 દરમિયાન ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઉમેદવારોની લાંબા સમયની પ્રતિક્ષા બાદ સરકારી તંત્રમાં ભરતી આવતા મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી થઈ હતી.

પરંતુ તા. 7 નવેમ્બર 2021થી 9 નવેમ્બર 2021 દરમ્યાન એટલે કે છેલ્લી મુદતના પહેલાના 3 દિવસ સુધી સર્વર સતત ખોટકાયેલું રહેતા ઓનલાઈન અરજીના સતત પ્રયત્નો પછી પણ ઉમેદવારો અરજી કરવાથી તેમજ ફી ભરવાથી વંચિત રહી ગયા છે.

સાથે જ તહેવારોની રજા દરમ્યાન સરકારી કચેરીઓ તેમજ સરકારી કામકાજ બંધ હોવાના કારણે ઘણા ઉમેદવારો જાતિનો દાખલો, આવકનો દાખલો તેમજ અન્ય જરૂરી પુરાવા મેળવી શક્યા નથી અને અરજી કરી શક્યા નથી.

(9:25 pm IST)