ગુજરાત
News of Thursday, 18th November 2021

નર્મદા જિલ્લામાં ત્રિ-દિવસીય ગ્રામ યાત્રાનો પ્રારંભ:ઝંડી ફરકાવીને "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" ના રથનું કરાવાયું પ્રસ્થાન

ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટે તા.૧૮ મી નવેમ્બરથી તા.૨૦ મી નવેમ્બર સુધી યોજાયેલી રાજયવ્યાપી “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સમારોહને  ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,  જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા,  પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી અને મોતીસિંહ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા,જિલ્લા ગ્રામ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, અરવિંદભાઇ,દિનેશભાઇ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ, લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૧૮ મી નવેમ્બરથી તા. ૨૦ મી નવેમ્બર સુધી રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય  આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં "સૌના સાથ સૌના વિકાસ" થકી સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકોને  સરળતાથી મળી રહે અને વિવિધ યોજનાઓના લાભો લઈને લોકો આત્મનિર્ભર બને તે દિશાના અનેકવિધ જનહિતલક્ષી નિર્ણયો સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યાં છે. તેની સાથોસાથ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો જરૂરિયાતમંદ લાભાર્થીઓને પૂરા પાડીને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પણ સાકાર થયું હોવાની સાથે ગ્રામીણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ પીવાનું પાણી મળી રહે તે માટે  દેશના પ્રધાનમંત્રીએ "નલ સે જળ યોજના" વર્ષ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો  નિર્ધાર કર્યો છે તેમ જણાવી નિરામય-ગુજરાત અભિયાન થકી ઘર આંગણે જ આરોગ્યલક્ષી સુવિધાઓ લોકોને હવે સરળતાથી સરકારી હોસ્પિટલમાં મળી રહેશે તેવો દ્રઢ વિશ્વાસ કટારાએ વ્યક્ત  કર્યો હતો. સરકાર દ્વારા ઉંમરગામથી લઇને અંબાજી સુધીના  આદિવાસી વિસ્તારોમાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરીને વિકાસ સાધ્યો  હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રી મોતીસિહ વસાવા અને મહિલા અગ્રણી ભારતીબેન તડવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યો હતા.

(10:05 pm IST)