ગુજરાત
News of Thursday, 18th November 2021

કંડલામાં બબ્બેવાર પ્રયાસ છતાં પ્લેન લેન્ડ ના થયું: ૬૦ પ્રવાસીના જીવ તાળવે ચોંટ્યા

તકનિકી ખામી સર્જાતાં આ ફ્લાઈટ લેન્ડ થયાં વગર જ પરત અમદાવાદ વળી ગઈ

કંડલાઃ અમદાવાદથી કંડલા આવેલી ટ્રુ જેટની ફ્લાઈટમાં તકનિકી ખામી સર્જાતાં આ ફ્લાઈટ લેન્ડ થયાં વગર જ પરત અમદાવાદ વળી ગઈ હતી. પાયલટે ફ્લાઈટને બબ્બેવાર લેન્ડ કરવા પ્રયાસ કર્યો હતો છતાં પ્લેન લેન્ડ થઈ શક્યું નહોતું. ઘટનાના કારણે પ્લેનની અંદર બેઠેલાં પ્રવાસીઓના જીવ પણ અધ્ધર થઈ ગયાં હતા. આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી. નિત્યક્રમ મુજબ ટ્રુ જેટનું એટીઆર પ્લેન કંડલા એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું.

એટીસીએ લેન્ડ થવા ક્લિયરન્સ આપી દીધા બાદ પાયલટે પ્લેનને લેન્ડ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી નહોતી. જેથી પાયલટે પ્લેનને હવામાં એક ચક્કર મરાવી બીજીવાર લેન્ડ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, બીજી વખતનો પ્રયાસ પણ નિષ્ફળ રહેતાં અંતે પાયલટ પ્લેનને પરત અમદાવાદ લઈ ગયો હતો. જ્યાં પ્લેનનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું હતું. પાયલટે બબ્બેવાર લેન્ડીંગ કરવા પ્રયાસ કરવા છતાં પ્લેન લેન્ડ ના થતાં અંદર બેઠેલાં ૬૦ જેટલાં પ્રવાસીઓ અને ક્રુના જીવ તાળવે ચોંટી ગયાં હતા.

(10:47 pm IST)