ગુજરાત
News of Friday, 19th February 2021

ગાંધી તુમ્‍હારે આજ કે બંદર સાતવ, ચાવડા, ભરત કે અંદર, ખાયે મદારી નાચે બંદરઃ વડોદરાના કારેલીબાગ રાત્રી બજારની દિવાલ ઉપર હોર્ડિંગ લાગતા ભારે વિવાદ

વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વડોદરામાં હર્ડિંગ મુદ્દે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસનો આરોપ છે છે કે તેને બદનામ કરવાનું કાવતરુ છે. હોર્ડિંગ પરના લખાણથી એવું લાગી પણ રહ્યું છે. પોલીસે અત્યારે આ મામલે તપાસ શરુ કરી છે.

કારેલીબાગ રાત્રિ બજારની દિવાલ પર હોર્ડિંગ

વડોદરમાં ગુરૂવારે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે રાત્રિ બજારની દીવાલ પર વિવાદાસ્પદ લખાણવાળાં હોર્ડિંગ્સ લગાવાયેલા દેખાયા. આ અંગે બે બાળમજૂર અને બે વ્યક્તિને કોંગ્રેસના કાર્યકરોએ રંગેહાથ ઝડપી લેતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

હોર્ડીંગના કોંગ્રેસી આગેવાનોનો ઉલ્લેખ

હોર્ડિંગ પર હિન્દીમાં લખેલું છે કે ગાંધી, તુમ્હારે આજ કે બંદર, સાતવ, ચાવડા- ભરત કે અંદર, ખાયે મદારી, નાચે બંદર આ હોર્ડિંગ્સમાં કોંગ્રેસના આગેવાનોને બદનામ કરતું લખાણ લખવામાં આવ્યું હતું. સૌ જાણે છે કે (રાજીવ)સાતવ, (અમિત)ચાવડા અને ભરત (સોલંકી) કોણ છે? તેથી સ્પષ્ટ થાય છે કે આ કોંગ્રેસને બદનામ કરવા માટે જ થઇ રહ્યું હશે.

પોલીસે સ્થળ પર પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેમ્પો અને હોર્ડિંગ્સ જપ્ત કર્યાં હતાં અને ડ્રાઈવરની અટકાયત કરી હતી.

કોંગ્રેસના કાર્યકરોએ હોર્ડિંગ્સ અને ટેમ્પો ઝડપી પાડ્યાં

જેની જાણકારી વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ પ્રશાંત પટેલને થતાં તેમણે વોર્ડ નં-3ના કાર્યકરોને એલ એન્ડ ટી સર્કલ પર મોકલ્યા હતા, જ્યાં તેમણે હોર્ડિંગ્સ અને ટેમ્પો ઝડપી પાડ્યાં હતાં. હોર્ડિંગ્સ લગાવવામાં બે બાળમજૂરની મદદ લેવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ મજૂરોને પૂછ્યું કે આ હોર્ડિંગ્સ કોના કહેવા પ્રમાણે લગાવવામાં આવી રહ્યાં છે, એમાં તેમણે વીરુ શર્માનું નામ જણાવ્યું હતું.

છોકરાઓએ વીરુ શર્માનું નામ આપ્યું

આ અંગે કોંગ્રેસના કાર્યકર દીપક દેસાઈએ પોલીસ કંટ્રોલરૂમને જાણકારી આપી હતી કે કોંગ્રેસના આગેવાનોને બદનામ કરતાં વિવાદાસ્પદ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. ત્યાર બાદ પોલીસે સ્થળ પર આવીને ટેમ્પોડ્રાઈવરની પૂછપરછ કરી હતી. એ દરમિયાન ટેમ્પોનો માલિક સ્થળ પર દોડી આવ્યો હતો, તેણે કાર્યકરો સાથે દાદાગીરી કરતાં અને વીરુ શર્માને ફોન કરવામાં આવતાં તે પણ સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ તેમને પૂછતાં તેમણે એનો ઇનકાર કર્યો હતો.

ટેમ્પોમાલિકની કોંગ્રેસ કાર્યકરો સાથે જીભાજોડી

દરમિયાન પોલીસની છથી સાત ગાડી સ્થળ પર આવી પહોંચી હતી અને ટેમ્પોમાલિક તથા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક થઈ રહી હતી. પોલીસે ટેમ્પોમાલિકની અટકાયત કરી હતી. આ અંગે કોંગ્રેસના કાર્યકરે લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે  ટેમ્પોમાં ભરીને હોર્ડિંગ્સ એલ એન્ડ ટી સર્કલ પાસે લગાવવામાં આવ્યાં હતાં. ટેમ્પોમાલિકનું નામ અભિષેક હોવાનું જણાવ્યું છે.

વડોદરા શહેરમાં આચારસંહિતાનો ભંગ થતો હોવા છતાં પાલિકા કે ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.

(4:51 pm IST)